અકસ્માતમાં ઇજાગ્રસ્તોને 50 હજાર સુધીની ફ્રી સારવારની યોજનામાં વડોદરામાં 1 વર્ષમાં 1 પણ ક્લેઇમ થયો નથી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અકસ્માતમાં ઇજાગ્રસ્તોને 50 હજાર સુધીની ફ્રી સારવારની યોજનામાં વડોદરામાં 1 વર્ષમાં 1 પણ ક્લેઇમ થયો નથી

હોસ્પિટલ માટે યોજનાની જટિલ પ્રક્રિયા હોવાથી ક્લેઇમ થતો નથી

સરકારે યોજના તો બનાવી પણ કોઇ લાભ લઇ શક્યુ નથી

વડોદરાઃ વાહન અકસ્માતના કિસ્સાઓમાં ભોગ બનનારાઓને 50 હજાર સુધીની મફત સારવાર આપવાની સરકારની મહત્વાકાંક્ષી યોજનાનો વડોદરામાં ફિયાસ્કો થયો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા એક વર્ષ દરમિયાન વડોદરાની ખાનગી હોસ્પિટલો પૈકી એકપણ હોસ્પિટલે એકપણ ક્લેઇમ ન કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ખાનગી હોસ્પિટલો માટેના નિયમો જટિલ છે

કોઈપણ વાહન અકસ્માતના કિસ્સામાં શરૂઆતના 48
કલાક અતિ મહત્વના હોય છે. જો આ સમયમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને સમયસર સારવાર મળી રહે તો અકસ્માતનો મૃત્યુદર ઘટાડી શકાય તેમ છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને ગત વર્ષે મે મહિનામાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યની હદમાં થતાં તમામ વાહન અકસ્માતના કિસ્સામાં ઇજાગ્રસ્તોને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં 50 હજાર સુધીની ફ્રી સારવાર કરવાની યોજના અમલમાં મૂકી હતી. જોકે, ખાનગી હોસ્પિટલો માટેના ધારાધોરણો અને નિયમો એટલી હદ સુધી જટિલ રાખવામાં આવ્યાં હતાં કે, એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં વડોદરાની એકપણ ખાનગી હોસ્પિટલ દ્વારા કોઈ દર્દીને આ યોજના હેઠળ સારવાર આપવામાં આવી હોવાનો ક્લેઇમ નિવાસી તબીબી અધિક્ષકની કચેરી ખાતે મળ્યો નથી.

જો અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં જાય તો સૌપ્રથમ હોસ્પિટલે સ્થાનિક પોલીસને જાણ કરવાની હોય છે. ત્યારબાદ દર્દીના સંબંધી પાસેથી ક્લેઇમનું ફોર્મ ભરાવવાનું હોય છે અને દર્દીને આપવામાં આવતી તમામ સારવારની ફાઈલ તૈયાર કરીને સરકારી હોસ્પિટલના નિવાસી તબીબી અધિક્ષકને પહોંચડાવાની હોય છે. જેમની મંજૂરી બાદ સરકાર દ્વારા નક્કી કરાયેલી રકમ જે તે હોસ્પિટલને મળતી હોય છે. શરૂઆતમાં તો હોસ્પિટલે જ તમામ ખર્ચ ઉઠાવવાનો હોય છે અને અંતમાં હોસ્પિટલના નક્કી કરાયેલ કિંમત કરતાં 40% જેટલી જ રકમ પરત મળે છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTભાજપે મમતાને જય શ્રી રામ લખેલા 10 લાખ પોસ્ટકાર્ડ મોકલ્યા તો મમતાએ સામા 20 લાખ મોકલ્યા લખ્યું કે…

COMMENTS

Wordpress (0)
Disqus ( )