મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાના પીવાના પાણીની સમીક્ષા બેઠક મળી
જનપ્રતિનિધિઓના પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ લાવવાની ખાત્રી આપતા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર અને દાહોદ પીવાના પાણીના પ્રશ્નોનુ નિરાકરણ લાવવા જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ કર્યો વિચાર વિમર્શ અગ્રણીઓ- જન પ્રતિનિધિ ઓના અનુભવનો લાભ મેળવી અને સંકલન સાધીને પ્રશ્નોનું નિરાકરણ લાવવા અધિકારીઓને આપી સૂચના પીવાના પાણીના પ્રશ્નો કાયમી ઉકેલ આવે તેવું આયોજન ઘડવા અધિકારીઓને આપ્યાં દિશાનિર્દેશ
મધ્ય ગુજરાત ઝોનના વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર અને દાહોદ જિલ્લાના પીવાના પાણીની સમસ્યાઓ અંગે પાણી પુરવઠા, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જનપ્રતિનિધિઓ અને સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મંત્રીશ્રીએ જનપ્રતિનિધિઓના પ્રશ્નોને ધ્યાનથી સાંભળી સંબંધિત અધિકારીઓને પ્રશ્નો સંદર્ભે ત્વરિત તપાસ કરી હકારાત્મક નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ તેમણે પીવાના પાણીના સ્થાનિક પ્રશ્નો સંદર્ભે ગામના અગ્રણીઓ-જનપ્રતિનિધિઓના અનુભવનો લાભ મેળવી અને તેમની સાથે સંકલન સાધીને પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઉપર ભાર મૂક્યો હતો. સાથે જ લાબાંગાળાની વિચારણા કરી અને પ્રાથમિકતાના ધોરણે આયોજન ઘડવા અધિકારીઓને જણાવ્યું હતું. જેથી પીવાના પાણીનો કાયમી ઉકેલ આવી શકે.
કરજણના ધારાસભ્ય શ્રી અક્ષય પટેલે શિનોર તાલુકાના ટેકરાવાળા વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવાનો પ્રશ્ન રજૂ કર્યો હતો અને જૂની ટાંકીને જગ્યાએ નવી સમ્પ બને તેવી માગ રજૂ કરી હતી. જેનો મંત્રીએ હકારાત્મક નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. પાદરાના ધારાસભ્ય શ્રી જશપાલ પઠિયારના મતવિસ્તારમાં ૧૬૧ કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરતા મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા વહેલી તકે કામગીરી હાથ ધરવા અનુરોધ કર્યો હતો. જેનો પ્રત્યુત્તર સંબંધિતિ અધિકારીએ પઠવતા કહ્યું કે, મોટો પ્રોજેક્ટ હોવાથી ૧૮થી ૨૪ માસ સમયમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
સંતરામપુરના ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ડિંડોરે વાસ્મો યોજના બની ગઈ પરંતુ તેને કાર્યરત કરવામા આવી નથી તેવો પ્રશ્ન કજૂ કરતા તેના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીને ત્વરિત સ્થળ તપાસ કરી બે દિવસમાં અહેવાલ સુપ્રત કરવા સૂચના આપી હતી. સંખેડાના ધારાસભ્ય શ્રી અભેસિંહ તડવીએ નસવાડી તાલુકાના ૭૩ જેટલા ડુંગરાળ ગામની પાણી પુરવઠા યોજનાની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી જેને વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે અને સાથે તેનું ખાતમૂહર્ત મંત્રીશ્રીને હસ્તે કરવામાં તેવા અનુરોધ કર્યો હતો. લુણાવાડાના ધારસભ્ય શ્રી જીગ્નેશભાઈ સેવકે ગંદુ પાણી છોડવાને લીધે ઉભી થતી સમસ્યા પ્રત્યે ધ્યાન દોર્યું હતું. તેના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ નગરપાલિકાના અધિકારીઓ સાથે સંકલન પ્રશ્નોની નિરાકરણ લાવવા સૂચના આપી હતી.
સાવલીના ધારાસભ્ય શ્રી કેતન ઇનામદારે સાવલી જૂથ યોજનામાં કેટલાંક ગામોને પાણી નહિં મળતા હોવાની અને સાવલી નગરપાલિકાની ગટર વારંવાર ચોક-અપ થઈ જતી હોવાથી લોકો હાલાકીનો સામનો કરવો પડતો હોવાના પ્રશ્ન રજૂ કરતા સંબંધિત અધિકારીઓને જાત તપાસ કરી ત્વરિત હકારાત્મક ઉકેલ લાવવા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સૂચના આપી હતી.
આ બેઠકમાં મધ્ય ગુજરાત ઝોનના મુખ્ય ઈજનેર શ્રી એન.એમ. પટેલ, તેમજ પંચમહાલ, છોટાઉદેપુર,દાહોદ,વડોદરા અને મહીસાગર જિલ્લના ઇજનરો અને વાસ્મોના અધિકારીઓ હાજર રહ્યા હતાં.