હાલોલમાં રૂ. ૯૧ કરોડના ખર્ચની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરતા મંત્રી શ્રી કુંવરજી બાવળિયા
સો કિ.મી. લાંબી ભૂગર્ભ પાઇપ લાઇન પાથરી હાલોલના સતર હજાર ઘરોને ગટર જોડાણ અપાશે
હાલોલના નગરજનોને હવે ટૂંક સમયમાં જ ખુલ્લી ગટરની સમસ્યામાં મુક્તિ મળવાની છે. હાલોલમાં રૂ. ૯૧ કરોડના ખર્ચથી નાખવામાં આવનારી ભૂગર્ભ ગટર યોજનાના કામનું ખાતમુહૂર્ત પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ આજે કર્યું હતું. મંત્રીશ્રીએ રાજ્ય સરકારની ઘર ઘર નલ સે જલની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
મંત્રીશ્રી બાવળિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે કુલ ૧૦૦ કિમી લંબાઈની ભૂગર્ભ ગટર યોજનાનું આ નેટવર્ક હાલોલના નગરજનોની સુખાકારી વધારનારૂ બની રહેશે. ગટરયોજનાના પગલે પાણીનો ઝડપી અને સમયસર નિકાલ થતા પાણીના ભરાવાના પગલે સર્જાતી બિનઆરોગ્યપ્રદ સ્થિતિનો પ્રશ્ન હલ થશે.
તેમણે ઉમેર્યું કે, ભવિષ્યમાં આ ભૂગર્ભ ગટર યોજના દ્વારા એકત્રિત થયેલ પાણી મુખ્ય પંપિગ સ્ટેશનથી સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પહોંચાડી શુધ્ધ કરી નજીકના ઔદ્યોગિક એકમોને આપવાનું આયોજન છે. જેથી નગરજનો માટે પીવાના પાણીનો જથ્થો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ બનશે. દરેક અંતરિયાળ ગામને પીવાનું શુધ્ધ પાણી ઉપલબ્ધ કરાવવા સરકાર સંકલ્પબદ્ધ હોવાનું જણાવતા તેમણે નલ સે જલ સહિતની યોજનાઓ મારફતે સરકાર દરેક માનવીને પાઈપલાઈન મારફતે પીવાનું પાણી પહોંચાડવા આયોજન કરી રહી છે તેમ જણાવ્યું હતું.
રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે ગટર યોજના અને એસટીપીને હાલોલ નગર માટે ક્રાંતિકારી ગણાવતા જણાવ્યું હતું કે આ ગટર યોજના પૂર્ણ થયા બાદ હાલોલ વરસાદના પાણી ભરાવા, નાળા ઉભરાવવા, ગંદકી જેવી સમસ્યાઓથી મુક્ત બનશે જેના કારણે શહેરનું વાતાવરણ વધુ આરોગ્યપ્રદ બનશે.
છેલ્લા બે દાયકામાં હાલોલ અને આસપાસના વિસ્તારોમાં થયેલા વિકાસ કાર્યો અને તેના પગલે શહેરની થયેલી કાયાપલટનો ખ્યાલ આપતા મંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે સરકાર નાગરિકોને શ્રેષ્ઠત્તમ આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે.
અત્રે નોંધવું જરૂરી છે કે, પાણી પુરવઠા બોર્ડ દ્વારા હાલોલના નગરજનોની સુખાકારી માટે સત્તર હજાર ઘરોને આવરી લઇ આ સમગ્ર યોજના ઘડી કાઢી છે. ભૂગર્ભ ગટર સાથે, ૧૭.૭૫ એમએલડીની ક્ષમતાનો સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનશે. આ પ્લાન્ટમાં ચોખ્ખુ થતું પાણી ઔદ્યોગિક વપરાશ માટે આપવામાં આવશે. આ ઉપરાંત આ યોજના અંતર્ગત હાલોલ નગરને પાંચ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે અને ત્રણ સ્થળે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવનાર છે. જ્યાંથી મુખ્ય ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદુ પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવશે.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી સુભાષભાઇ પરમાર તથા તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ અધિકારીગણ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.