સશસ્ત્ર સેના ધ્વજદિન નિમિત્તે સૈનિકોના કલ્યાણ માટે ફાળો એકત્રિત કરવાનો પ્રારંભ: કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે રોકડ યોગદાન આપી કરાવ્યો શુભારંભ
વડોદરાના નાગરિકોને શૂરવીર સૈનિકોના અને તેમના પરિવારોના કલ્યાણ માટે ઉદાર હાથે ફાળો આપવા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલની અપીલ : ગત વર્ષે ૨૦ લાખના લક્ષ્યાંક સામે ૪૫ લાખનો ફાળો એકત્રિત કરાયો
સમગ્ર દેશમાં ૭મી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજદિનની દેશના શુરવીર સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે ઉજવણી કરવામા આવે છે ત્યારે વડોદરાની કલેક્ટર કચેરી ખાતેથી એમ.એસ. યુનિવર્સિટીના એન.સી.સી. કેડેટ્સે સેલ્યુટ પરેડ કરી કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલના હસ્તેથી રોકડ યોગદાન સ્વીકાર કરી, દેશની સુરક્ષા અને અખંડિતતા માટે પોતાનું સર્વોચ્ચ સમર્પિત કરનાર શૂરવીર સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે વડોદરાના નાગરિકોને સૈનિકોના કલ્યાણ માટે ઉદારતાપૂર્વક ફાળો આપવાનો અનુરોધ કરી આપણા દેશના સૈનિકો દિવસ-રાત જોયા વગર વિકટ પરિસ્થિતિમાં દેશની સીમાઓનું રક્ષણ કરે છે. ત્યારે આપણે આપણા કર્તવ્યના નિર્વહનના ભાગરૂપે સૈનિકોના કલ્યાણ માટે યોગદાન આપવું જોઈએ. દેશની સેવા કરતાં કરતાં દેશના ઘણાં સૈનિકોએ પોતાના શરીરના અંગો ગુમાવ્યા પડ્યાં હોય અને તેમના પરિવારને પણ ઘણાં બલિદાન અને તકલીફોમાંથી પસાર થવું પડતું હોય છે. ત્યારે સૌ ઉદાર હાથે સૈનિકોના કલ્યાણ માટે ફાળો આપીએ. તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
વધુમાં તેમણે જણાવ્યું કે, ગત વર્ષે પણ વડોદરાના નાગરિકોએ ઉત્સાહપૂર્વક અને ઉદારતા સાથે ફાળો આપ્યો હતો. ફાળો એકત્રિત કરવાના ૨૦ લાખના લક્ષ્યાંક સામે ૪૫ લાખના ફાળો આપ્યો હતો. જેમાં ઘણી સામાજિક-સેવાકીય સંસ્થાઓ, સરકારી કચેરીઓ, ઉદ્યોગકારો સહિતનાઓનો સહયોગ સાંપડ્યો હતો.