વડોદરા / પોલીસે પુત્રનું ટુ-વ્હીલર ડીટેઈન કરતા પિતાએ રોડ પર સુઈ જઇને હોબાળો મચાવ્યો, પોલીસે અટકાયત કરી
સ્ટુડન્ટ મેમો ન ભરી શકતા પોલીસે કાર્યવાહી કરતા ટ્રાફિકના નવા કાયદાનો વિરોધ કર્યો
વિરોધ પ્રદર્શનને કારણે કાલાઘોડા ખાતે વાહન વ્યવહાર ખોરવાયો
નવા કાયદાઓ લાવવાથી અકસ્માતોનું પ્રમાણ ઘટવાનું નથીઃ તુષારભાઇ
વડોદરા: પહેલી નવેમ્બરથી અમલમાં આવેલા ટ્રાફિકના નવા કાયદા સામે લોકોમાં ભારે રોષ છે, ત્યારે હેલ્મેટ પહેર્યા વગર કોલેજ જવા નીકળેલા સ્ટુડન્ટનું પોલીસે વાહન ડીટેઈન કરતા દોડી આવેલા પિતાએ રોડ ઉપર સુઈ જઇને ભારે હોબાળો મચાવ્યો હતો. એક કલાક સુધી હોબાળો મચાવનારની પોલીસે અટકાયત કરી હતી.
સ્ટુડન્ટ પાસે પૈસા ન હોવાથી વાહન ડીટેઈન કર્યું
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ એ-6, ક્રિષ્ણાપાર્ક સોસાયટીમાં તુષારભાઇ શાહ પરિવાર સાથે રહે છે. અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે. આજે બપોરે તેમનો પુત્ર હેલ્મેટ પહેર્યા વગર ટુ-વ્હિલર લઇને કોલેજ જવા માટે નીકળ્યો હતો. દરમિયાન સયાજીગંજ કાલાઘોડા પાસે ટ્રાફિક પોલીસે રોક્યો હતો. અને નવા ટ્રાફિક નિયમ મુજબ દંડ ભરવા જણાવ્યું હતું. સ્ટુડન્ટે હાલ પૈસા ન હોવાનું જણાવતા પોલીસે ટુ-વ્હિલર જમા કરી લીધું હતું. અને દંડ ભરીને ટુ-વ્હિલર છોડાવી જવા માટે જણાવ્યું હતું.
સ્ટુડન્ટના પિતાએ ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કર્યો
પોલીસે વાહન કબજે લઇ લેતા યુવાને તેના પિતાને જાણ કરી હતી. તુરંત જ પિતા તુષારભાઇ શાહ સ્થળ પર દોડી આવ્યા હતા. અને હોબાળો મચાવ્યો હતો. તુષારભાઇ શાહ રોડ ઉપર સુઈ ગયા હતા. અને ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કર્યો હતો. વાહનોથી ધમધમતા માર્ગ ઉપર સુઈ જઇને નવા ટ્રાફિક નિયમોના તુષારભાઇએ કરેલા વિરોધે આકર્ષણ જમાવ્યું હતું.
પોલીસે વિરોધ કરનારની અટકાયત કરી
પસાર થતાં વાહન ચાલકો પણ પોતાના વાહન ઉભા કરી દઇને તમાશો જોવા ઉભા થઇ ગયા હતા. એક તબક્કે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. જોકે, આ અંગેની જાણ રાવપુરા પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને તુષારભાઇની અટકાયત કરી પોલીસ મથકમાં લઇ ગઇ હતી.
પોલીસનો પગાર કાઢવા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે
તુષારભાઇ શાહે જણાવ્યું કે, પોલીસનો પગાર કાઢવા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. વિરોધ કરવા પાછળનું કારણ લોકોને જાગૃત કરવાનો છે, જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે કાયદા કેમ કાઢતા નથી. તેવા વેધક સવાલો કર્યાં હતા. હું હેલ્મેટ લાવી શકુ છું. પરંતુ હેલ્મેટ, પી.યુ.સી., લાયસન્સ જેવા કાયદાઓ લાવવાથી અકસ્માતોનું પ્રમાણ ઘટવાનું નથી. આ કાયદો રદ્દ કરવામાં આવે તેવી મારી માંગણી છે.