મરીને પણ જીવતા રહેશે / ગ્રીન કોરિડોરથી વડોદરાના દર્દીના અંગો અમદાવાદ લઇ જવાયા, 3 લોકોની જિંદગી બચાવી
વડોદરા શહેર ટ્રાફિક પોલીસે મોડી રાત્રે ગ્રીન કોરીડોર કરીને દર્દીના ઓર્ગન(કિડની અને લીવર) 129 કિલો મીટરનું અંતર 85 મિનીટમાં કાપીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચતા કર્યાં હતા. અને ત્રણ લોકોની જિંદગી બચાવી હતી. કિડની અને લીવરનું દાન કરનાર વ્યક્તિને અકસ્માત થયો હતો. જેમનું માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ડોક્ટરે ઓર્ગન અમદાવાદ પહોંચતા કરવા માટે ટ્રાફિક પોલીસની મદદ માંગી
એ.સી.પી. ટ્રાફિક અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી ગ્લોબલ હોસ્પિટલમાં અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા મુકેશભાઇ શંકરભાઇ પટેલને(રહે. માંજલપુર, વડોદરા) સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ મુકેશભાઇ પટેલની કિડની અને લીવરનું દાન કરવાની ઇચ્છા હોસ્પિટલના તબીબોને દર્શાવી હતી. આ ઓર્ગન નિર્ધારીત સમય મર્યાદામાં જરૂરીયાત મંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા જરૂરી હોવાથી ઓર્ગન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવાના હતા. હોસ્પિટલના ડો. ઉદયભાઇએ ઓર્ગન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચતા કરવા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસની મદદ માંગી હતી.
ગ્રીન કોરિડોરની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી
એ.સી.પી. ટ્રાફિક અમિતા વાનાણીએ વધુમાં જણાવ્યું કે, વડોદરા ટ્રાફિક વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઓર્ગન અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં સમયસર પહોંચતા કરવા માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. અને આસિસન્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજુભાઇ ચુનીભાઇ અને હેડ કોન્સ્ટેબલ પ્રફૂલભાઇ નારાયણભાઇને પાયલોટીંગ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
129 કિલોમીટરનું અંતર 85 મિનીટમાં કાપીને ઓર્ગન પહોંચતા કર્યાં
એ.સી.પી. ટ્રાફિક અમિતા વાનાણીએ જણાવ્યું કે, મોડી રાત્રે હોસ્પિટલમાંથી મુકેશભાઇ પટેલના ઓર્ગન (કિડની અને લીવર) લઇને પાયલોટિંગ સાથે નીકળેલી એમ્બ્યુલન્સે વડોદરા માંજલપુર સ્થિત હોસ્પિટલથી અમદાવાદ સિવીલ હોસ્પિટલ સુધીનું 129 કિલોમીટરનું અંતર 85 મિનીટમાં કાપીને પહોંચતા કર્યાં હતા.