વડોદરાની સરકારી વિશેષ દત્તક સંસ્થાની આશ્રિત કૃપાલીને ઈટાલીના એંરિકો અને કાટીઆ એ દત્તક લીધી : તાજેતરમાં કલેક્ટરશ્રીએ આ બાળકી સાથે હરખભેર દિવાળી ઉજવી હતી
નવા વર્ષની : સુખદ ઘટના
નામ નહીં બદલાય:ભારતની કૃપાલી એના ઇટાલિયન માતાપિતાના ઘરમાં કૃપાલી તરીકે જ ઓળખાશે
વડોદરાની સરકારી વિશેષ દત્તક સંસ્થાની આશ્રિત કૃપાલીને ઈટાલીના એંરિકો અને કાટીઆ એ દત્તક લીધી: જિલ્લા કલેકટરે આ ઘટનાને નવા વર્ષની સુખદ ઘટના તરીકે મુલવી અને મનો દિવ્યાંગ બાળકીને અપનાવવા માટે હાર્દિક ધન્યવાદ આપ્યા
તાજેતરમાં કલેક્ટરશ્રીએ આ બાળકી સાથે હરખભેર દિવાળી ઉજવી હતી જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે તાજેતરમાં વડોદરા સ્થિત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સરકારી વિશેષ દત્તક સંસ્થામાં કૃપાલી અને અન્ય આશ્રિત બાળકો સાથે ખૂબ જ હરખભેર દિવાળી ઉજવી હતી. આજે એક ખાસ કાર્યક્રમમાં છેક ઇટાલી થી આવેલા પ્રેમાળ દંપત્તિને સંતાનના રૂપમાં આ કૃપાલીને જિલ્લા કલેક્ટરશ્રીએ કાયદેસરના વાલીપણા હેઠળ સુપ્રત કરી હતી. ભારત સરકારની કારા સંસ્થા દ્વારા કાયદામાં ઠરાવેલી દત્તક પ્રક્રિયા પૂર્ણ કરીને કૃપાલીને માતાપિતા અને કુટુંબના છત્ર હેઠળ મુકવાની વિધિસર મંજૂરીના પગલે આ શક્ય બન્યું હતું.
શ્રીમતી શાલિની અગ્રવાલે આ હ્રદયસ્પર્શી ઘટનાને નવા વર્ષની પ્રથમ અને સર્વાધિક સુખદ ઘટના તરીકે મુલવી હતી અને એક મનો દિવ્યાંગ બાળકીને હોંશભેર અને દિલની લાગણી થી સંતાન તરીકે અપનાવી લેવા માટે ઇટાલિયન યુગલને હાર્દિક ધન્યવાદ આપ્યા હતા. ખાસ વાત એ છે કે સંસ્થામાં કૃપાલીનું ભારતીય પરંપરા પ્રમાણેનું નામ પામેલી કૃપાલી એના નવા દેશના નવા પરિવેશ અને નવા ઘરમાં કૃપાલીના ભારતીય નામે જ ઓળખાશે. આ બાળકીને વ્હાલા સંતાન તરીકે ગળે લગાડનાર શ્રીમાન એંરિકો (ENRICO) વેંતુરા અને શ્રીમતી કાટીઆ મેંઘીનો આ નિર્ણય સહુના હૃદયને સ્પર્શી ગયો હતો. કલેકટરશ્રી એ સમગ્ર પ્રક્રિયાના ઝડપી અને સમયબદ્ધ સંકલન માટે સંસ્થાના નિયામક મંડળના શ્રી ધિમંત ભટ્ટ અને સદસ્યો, જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા કચેરીના અધિકારીઓ અને પદાધિકારીઓને અભિનંદન આપવાની સાથે ભવિષ્યમાં આવી યશસ્વી કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ઇટાલિયન દંપતીએ આ બાળકીને પંડના બાળકની જેમ ઉછેરવા અને સર્વ સુખ આપવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. દુભાષીયા તરીકે સેવા આપતી સારાના માધ્યમ થી એમણે જણાવ્યું કે કૃપાલીને સંતાન તરીકે મેળવીને તેઓ ખૂબ ખુશી પામ્યા છે. દંપતી પૈકી શ્રીમાન એંરિકો ઇટાલીમાં કોમ્પ્યુટર સાયન્સના ક્ષેત્રમાં કાર્યરત છે. જ્યારે શ્રીમતી કાટીઆ હેર સ્ટાઈલિસ્ટ પ્રોફેશનલ છે. આ દંપતી ઈટાલીના sondrio જિલ્લાના tala mona ખાતે સંયુક્ત પરિવાર જેવી વ્યવસ્થા હેઠળ રહે છે. એમના માતાપિતા પણ હયાત છે. એટલે અત્યાર સુધી સરકારી સંસ્થાના આશ્રયે ઉછરેલી કૃપાલીને માત્ર માતાપિતા નહીં પણ દાદા દાદી સહિતનો ભર્યોભાદર્યો પરિવાર મળ્યો છે.આને જ કદાચ અંગ્રેજીમાં ગ્રેસ ઓફ ગોડ કહેતા હશે.
આ દંપતીએ તેમના પારિવારિક નિવાસ સ્થાન અને સદસ્યોનું એક ફોટો આલબમ મોકલ્યું હતું.કલેક્ટરશ્રીએ વ્હાલપુર્વક કૃપાલીને તેમાં તેનું નવું ઘર અને પરિવાર બતાવ્યું હતું અને સર્વ સુખ પામો અને સપના સાકાર કરોના સ્નેહાળ શુભાષિશ પાઠવ્યા હતા.
આ ઇન્ટર કન્ટ્રી એટલે કે દેશ દેશ વચ્ચેના એડોપશનનો કિસ્સો છે એવી જાણકારી આપતા મેનેજર કો ઓરડીનેશન જાગૃતિ પટેલે જણાવ્યું કે હવે સરકારી સંસ્થાઓના આશ્રિત અને પરિવાર વંચિત બાળકોને દેશના તેમજ અન્ય દેશોના બાળકોને દત્તક તરીકે આપવાની સમગ્ર પ્રક્રિયાનું સંકલન કારા તરીકે ઓળખાતી સેન્ટ્રલ એડોપશન રિસોર્સ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે અને આ આખી કામગીરી ઓનલાઈન છે.
દેશ વિદેશના દંપતીઓ બાળક દત્તક મેળવવા માટેની તેમની અરજીઓ કારાને મોકલે છે. દેશની વિવિધ સરકારી આશ્રય સંસ્થાઓ તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પુરી કરી દત્તક માટે ઉપલબ્ધ બાળકોની વિગતો કારાને ઉપલબ્ધ કરાવે છે.કારા દ્વારા સઘન મેચિંગ પ્રક્રિયાના અંતે જિલ્લા સ્તરની સમિતિની મંજૂરી થી દત્તક પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવે છે.
આ પ્રસંગે સ્થાનીક નિર્ણાયક સમિતિના શ્રી ધિમંત ભટ્ટ, અર્ચના પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હેતલ પરમાર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવા અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મિશ્રા *********
મહા વાવાઝોડું વડોદરાને અસર કરે એવી સંભાવના:જિલ્લા પ્રશાસનના તમામ વિભાગોને સુસજ્જ રહેવા સૂચના:ખેડૂતો સહિત લોકોને સાવધ રહેવા અનુરોધ
વડોદરા તા. ૦૨ નવેમ્બર, ૨૦૧૯ (શનિવાર) હવામાન ખાતા દ્વારા તા.૬થી નવેમ્બર થી તા.8મી નવેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠા સહિત રાજ્યના લગભગ બધા વિસ્તારોમાં મહા વાવાઝોડું ત્રાટકવાથી અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેને અનુલક્ષીને રાહત નિયામક દ્વારા તમામ જિલ્લા પ્રશાશનો અને ખેડૂતો સહિત લોકોને સાવચેત રહેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતના ૪ અને સૌરાષ્ટ્રના ૯ જિલ્લાઓ સહિત વડોદરા જિલ્લો આ વાવાઝોડા થી પ્રભાવિત થવાની શકયતા છે જેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેકટરશ્રી દિલીપ પટેલે સમગ્ર વહીવટી તંત્ર, સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટ અને તાલુકા નિયંત્રણ કક્ષો સહિત તમામને તકેદારીના જરૂરી આગોતરા પગલાં લેવા,બચાવ અને રાહતની સુસજ્જતા રાખવા અને જિલ્લા મથક સાથે સતત સંપર્ક જાળવી કોઈ પણ ઘટના કે બનાવની તુરત જાણ કરવા સૂચના આપી છે.
આ મહા વાવાઝોડાની અસર હેઠળ ૬૦ થી ૭૦ કિમીની ઝડપે પવનો ફૂંકાવાનું અને ભારે થી અતિ ભારે વરસાદ થવાનું અનુમાન છે. તે પ્રમાણે બચાવ અને રાહત માટે તૈયાર રહેવા જણાવવાની સાથે ખાસ કરીને ખેડૂતો અને લોકોને પોતાના જાનમાલની સુરક્ષાના અનુસંધાને જરૂરી સતર્કતા રાખવા જણાવાયું છે.