અમદાવાદ રેલ્વે સ્ટેશન પરથી મળેલી દોઢ વર્ષની ક્રાંતિને મળ્યાં અમેરિકાના માતા-પિતા
જૂન 2018માં કાલુપુર રેલવે સ્ટેશન પરથી એક અનાથ બાળકી મળી આવી હતી. જેને RPFના એક જવાને પાલડી શિશુ ગૃહમાં મોકલી હતી. જ્યાંથી અમેરિકાના એક દંપતીએ દત્તક લીધી હતી. હવે દોઢ વર્ષની બાળકી નવા પેરન્ટ્સ સાથે જશે અમેરિકા.
અમેરિકાના ન્યુજર્સીમાં રહેલા કપલની ઇચ્છા હતી કે તેમનું બાળક આવે તે પહેલા તે એક બાળકને દત્તક લેવું છે. ગાંધીનગરમાં રાજભવન ખાતે બાળકીને દત્તક લેવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યારે તેઓ ત્યાં પહોંચી ગયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના ગવર્નર આચાર્ય દેવ વ્રત, ચાઈલ્ડ વેલફેર કમિટીના અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના ગર્વનર આચાર્ય દેવવ્રતની હાજરીમાં જ કપલે અહીંથી આ અનાથ બાળકીને દત્તક લીધી અને તેને ક્રાંતિ મોહન નામ આપ્યું છે.
ક્રાંતિના પિતા શ્યામ મોહન મૂળ કેરળના છે અને તેમનો જન્મ અને ઉછેર અમેરિકામાં થયો છે ત્યારે માતા પાયલ મૂળ મોરબીના વતની છે. શ્યામ ઈમિગ્રેશન અને કન્સલ્ટન્સી ફર્મ ચલાવે છે. આ દંપતી બાળકીને દત્તક લઈને ઘણાં જ ખુશ છે. ક્રાંતિની માતા પાયલે જણાવ્યું કે, અમે સતત ક્રાંતિ સાથે વીડિયો કોલ પર વાતો કરતા હતા. અમે વારંવાર ભારતની મુલાકાત લેતા રહીશું, અને અમે તેને પણ ભારત સાથેનો સંબંધ જળવાઈ રહે તેવા પ્રયાસ કરીશું.
બાળકી તેના નવા પરિવાર સાથે ભળી ગઈ છે
શીશુ ગૃહના સુપ્રિટેન્ડન્ટ રિતેશ દવે જણાવે છે કે, બાળકી તેના નવા પરિવાર સાથે ભળી ગઈ છે. મહત્વનું છે કે, દંપતીનું બાળક આવ્યું તે પહેલાથી જ તેમણે બાળકને દત્તક લેવાનો નિર્ણય કરી લીધો હતો. 2019નું આ ચોથું ઈન્ટરનેશનલ અડોપ્શન છે અને 2004થી અત્યાર સુધીમાં કુલ 269 બાળકોને દત્તક લેવામાં આવ્યા છે.