કલાકાર પરિવારોની કન્યાઓ દ્વારા ગણેશ પૂજન સાથે માટી મૂર્તિ મેળાનો પ્રારંભ…
જીએમકેઆરઆઈએ ૩ વર્ષમાં ૪૦૦૦૦ લોકોને વિવિધ કૌશલ્યોની તાલીમ આપી:અધ્યક્ષશ્રી દલસુખભાઈ..
ગણેશોત્સવને અનુલક્ષીને ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલજી સંસ્થાને લોકોને પર્યાવરણ રક્ષક અને જળ પ્રદુષણ અટકાવતી,દેવ પ્રતિમાની ગરિમાનું રક્ષણ કરતી શ્રીજીની મૂર્તિઓની સ્થાપના માટે પ્રોત્સાહિત કરવા સયાજીગંજ ના પારસી અગિયારી મેદાન ખાતે માટી મૂર્તિ મેળાનું આયોજન કર્યું છે. તા.૨જી સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળાનો ગણેશ સ્તુતિ મંત્રોચ્ચાર વચ્ચે કલાકાર પરિવારોની કન્યાઓએ, સંસ્થાનના અધ્યક્ષશ્રી દલસુખભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં ગણેશ પૂજન સાથે સાદગી સભર પ્રારંભ કરાવ્યો હતો.શ્રી પ્રજાપતિએ દિવંગત પૂર્વ નાણાં મંત્રી શ્રી અરુણ જેટલીજી ને હાર્દિક શ્રદ્ધાંજલિ આપી હતી અને વડોદરા શહેર તેમજ આસપાસના જિલ્લાઓના નાગરિકો પર્યાવરણ મિત્ર માટીના ગણેશજીની સ્થાપના કરીને માટી મૂર્તિકારો ને પ્રોત્સાહિત કરશે એવી અપેક્ષા વ્યકત કરી હતી.
માટીકામ કલાકારી સંસ્થાએ છેલ્લા ચાર વર્ષમાં ૩૮૪૬ કારીગરોને માટીની મૂર્તિઓ બનાવવાની તાલીમ આપવાની સાથે જરૂરી ટુલકીટ આપી છે એવી જાણકારી આપતા જણાવ્યું કે, સંસ્થાન પરંપરાગત ગ્રામીણ કૌશલ્યોને આધુનિક ટેક્નોલોજી સાથે જોડી એનું નવીનીકરણ કરે છે અને વર્તમાન સમયની માંગને અનુરૂપ બનાવે છે.સંસ્થાને દરેક કૌશલ્યની તાલીમ મેળવનાર માટે સાધન સુવિધા ઉપલબ્ધ કરાવવાની યોજનાઓ અમલમાં મૂકી છે. ૪૦ હજાર જેટલા લોકોને કૌશલ્યવર્ધક તાલીમો આપી છે.માટીમૂર્તિ કારીગરોએ મેળાઓમાં ૧૪૫૧ જેટલા વિનામૂલ્યે મળેલા સ્ટોલ્સ દ્વારા ૮.૪૩ કરોડની વેચાણ આવક મેળવી છે. આ વર્ષે અમદાવાદમાં ૪ અને વડોદરા-સુરતમાં ૨ મળી કુલ ૬ માટીમૂર્તિ મેળા યોજ્યા છે જે પર્યાવરણના રક્ષણની સાથે કલાકારોને રોજગારી આપશે.
આ પ્રસંગે સંસ્થાનના નિયામક શ્રી આર.કે.પટેલ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.