૨૧મી સદીની શ્રેષ્ઠ આત્મકથા – સત્યના પ્રયોગો
પૂ. મહાત્મા ગાંધીજી ને જાણવા-સમજવા માટે સૌથી પહેલો રસ્તો અને હાથવગો રસ્તો એટલે ગાંધીજી એ લખેલા હિંદ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ, મંગળપ્રભાત અને સત્યના પ્રયોગો. આ ચાર પુસ્તકોના વાંચનથી આપણે ગાંધીજી અંગે જાણકારી, સમજ મેળવી શકીએ. સત્ય ના પ્રયોગો એ ગાંધીજીની આત્મકથા છે. આજ થી ૯૨ વર્ષ પૂર્વ ૧૯૨૭ મુળ ગુજરાતીમા લખાયેલી આત્મકથા સૌ પ્રથમ પ્રકાશિત થઈ હતી.’સત્ય ના પ્રયોગો’ એ ગુજરાતી ભાષાનું સૌથી વધુ વંચાયેલુ પુસ્તક છે. આત્મકથા નું પ્રકાશન નવજીવન પ્રકાશન મંદિર,અમદાવાદ દ્વારા થયેલ છે. જયરામદાસ, સ્વામીઆનંદ જેવા નિકટના સાથીઓની માંગણી ને માન આપીને આ કથા લખી છે. કુલ પાંચ ભાગમા અને ૧૭૭ પ્રકરણો લખ્યા છે દરેક પ્રકરણો ના મૂળમાં એક જ અવાજ છે.”સત્ય નો જય થાઓ” અત્યાર સુધીમાં ૧૭ ભારતીય ભાષાઓમાં આત્મકથા કુલ ૫૪ લાખ ૪૮ હજાર પ્રતોનુ વેચાણ થયેલ છે. જો વેચાય તે વંચાય એ માપદંડ ને સ્વીકારી એ તો સૌથી વધુ વંચાયેલુ પુસ્તક છે.૧૯૨૭ થી લઈને આજ સુધી આત્મકથાની ગુજરાતી આવૃત્તિ ૬,૪૮,૦૦૦ થી પણ વધુ નકલો નું વેચાણ થયેલ છે. બાપુ ની આત્મકથા સમયાંતરે ભારતીય ભાષાઓ જેવી કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, તેલુગુ, તમિલ, કન્નડ, ઉર્દૂ, બંગાળી, અસમિયા, મણિપુરી, સંસ્કૃત, ઓડિયા, કોંકણી, મલયાલમ, પંજાબી, વગેરે ભાષાઓમાં અનુવાદિત થયેલ છે.
વિશ્વમા અનેક આત્માકથાઓ લખાઈ છે. વિશ્વની ૩૧ ભાષાઓમા ગાંધીજીની આત્મકથા પ્રકાશિત થઈ છે. અરેબિક, સ્પેનિશ, બ્રાઝિલિયન, નેપાળી, જર્મન, તિબેટિન, તુર્કી, સિંહાલી, ઈટાલિયન, ઇન્ડોનેશિયન, ફ્રેન્ચ, સ્વીડીશ, હંગેરિયન, ઇંગ્લિશ, ઇંગ્લિશ બ્રેઈલ (યુકે) , ઇંગ્લિશ બ્રેઈલ (યુએસએ), ઇંગ્લિશ બ્રેઈલ (કેનેડા), પોર્ટુગિઝ, હિબ્રુ વગેરે વિદેશી ભાષામાં આત્મકથા અનુવાદિત-પ્રકાશિત થયેલ છે
આત્મકથાનું સૌથી વધુ વેચાણ મલયાલમ ભાષામાં થયેલ છે. ગાંધીવિચારને બહુ પ્રતિસાદ ન આપતા ડાબેરીઓના રાજ્ય કેરળમાં ૧૯૯૭માં પ્રકાશિત થયેલ જે આજ સુધીમાં ૭ લાખ ૫૫ હજાર થી વધુ નકલોનું વેચાણ થયેલ છે. ૧૯૯૪ મા તમિલ ભાષામા પ્રકાશિત થયેલ આત્મકથા ની ૬,૮૯,૫૦૦ નકલોનુ વેચાણ થયેલ છે.
મહાત્માગાંધીએ પોતાની આત્મકથામાં અત્યંત વિનમ્રતાપૂર્વક લખ્યુ છે કે, “મારે દુનિયા ને કશું નવું શીખવાનું નથી, સત્ય, અહિંસા અનાદિકાળથી ચાલ્યા આવે છે”. આવો ગાંધી ની ૧૫૦ મી જન્મજયંતી એ આત્મકથા “સત્ય ના પ્રયોગો” ને ખરીદવા અને વાંચવા માટે સંકલ્પ કરીએ.
ડૉ. મહેશ. સી. વાઘેલા, મંગલભારતી ગ્રામ વિદ્યાપીઠ,
ગોલા-ગામડી, તાલુકો-સંખેડા, જિલ્લો-છોટાઉદેપુર-391125, મો. 9427665021