કેવડીયા કોલોની- સ્ટેચ્યુ ઓફ યુનિટી- વિશ્વવન ખાતે દ્વિ-દિવસીય આંતરરાષ્ટ્રિય લોકનૃત્ય-સંગીત મહોત્સવનું સમાપન
આફ્રિકાખંડના મોરક્કો દેશના કલાવૃંદે લોકનૃત્ય-સંગીત ઉપરાંત ગુજરાતની નૃત્યભારતી સંસ્થાના કલાવૃંદે “શીવતાંડવ” અને
“સરસ્વતી વંદના ” લોકનૃત્યની કૃતિઓથી કલારસિકોને કર્યા રસ-તરબોળ
કેન્દ્રિય વિદેશ મંત્રાલય હેઠળ ઇન્ડીયન કાઉન્સીલ ફોર કલ્ચર રિલેશન અને ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે યોજાયેલા દ્વિ-દિવસીય છઠ્ઠા આંતરરાષ્ટ્રિય લોકનૃત્ય અને સંગીત મહોત્સવ ગઇકાલે સાંજે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત સચિવશ્રી ભાવેશ અરેરા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટરશ્રી અને નાયબ વહિવટદારશ્રી નિલેશ દુબે, વન વિભાગના અધિકારી શ્રી કમ્બોદ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ પટેલ, ઇન્ડીયન કાઉન્સીલ ફોર કલ્ચર રિલેશન ફોરના અધિકારીશ્રી સુભાષ સિંગ અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પી.એ.હાથેલીયા તેમજ સ્થાનિક કલાપ્રેમી જનતા અને મુલાકાતી પ્રવાસીઓની વિશાળ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણ બાદ સૌ પ્રથમ યોજાયેલા આ દ્વિ-દિવસીય આંતરાષ્ટ્રિય લોકનૃત્ય અને સંગીત મહોત્સવના સમાપન પ્રસંગે ગઇકાલે આફ્રિકાખંડના મોરક્કો દેશના શ્રી મકાધીનના નેતૃત્વ હેઠળ ૮ કલાકારોના કલાવૃંદે મોરક્કો દેશનું લોકનૃત્ય અને સંગીતની કૃતિઓ રજૂ કરીને પ્રેક્ષકગણને રોમાંચ સાથે મંત્રમુગ્ધ કરી દીધા હતાં. તદ્દઉપરાંત તેમની સાથે ગુજરાતની નૃત્યભારતી પરફોર્મીગ આર્ટસ ગૃપના કોરીયોગ્રાફર શ્રી ચંદન ઠાકોર અને નિરાલી ઠાકોરના નેતૃત્વ હેઠળની ૧૦ જેટલાં કલાકારોએ ગુજરાતની વિવિધ સંસ્કૃત્તિને વણી લેતાં “શીવ તાંડવ” અને “ સરસ્વતી વંદના” ની પ્રસ્તુતી અને નૃત્ય રજૂ કર્યાં હતાં જેને ઉપસ્થિત જનમેદનીએ તાલીઓના ગડગડાહટથી કલાકારોને ભારે હર્ષોલ્લાસથી બિરદાવી તેમને વધાવી લીધા હતાં અને મુલાકાતી પ્રવાસીઓ, ગુજરાતની નૃત્યભારતી પરફોર્મીગ આર્ટસ ગૃપના કલાવૃંદોએ મોરક્કો દેશના ગૃપ સાથે જોડાઇને લોકનૃત્યનો આંનદ પણ લીધો હતો.
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટરશ્રી અને નાયબ વહિવટદારશ્રી નિલેશ દુબેએ આ લોકનૃત્ય સંગીત મહોત્સવમાં ભાગ લઇ કૃતિઓ રજૂ કરનાર કલાવૃંદના પ્રત્યેક કલાકારને સ્મૃત્તિ ચિન્હ એનાયત કરી કલાવૃંદને પ્રોત્સાહિત કર્યા હતા.