બોડેલી ડેપોનો અંધેર વહીવટ ના કારણે મુસાફરો રઝડયા : માનવતાના દર્શન કરાવતું મુસ્લિમ પરિવાર
રવિવારે સવારે 10 વાગ્યાની આસપાસ છોટાઉદેપુરથી જુનાગઢ જતી એસટી બસ જ્યારે બોડેલીમાંથી પસાર થઇ રહી હતી, ત્યારે બસ અને ટ્રેક્ટર વચ્ચે સામાન્ય ટક્કર થઇ હતી. જેમાં કોઈને ઈજા થઈ ન હતી, પણ બસના પતરાંને નુકસાન થયું હતું. જે બાબતે એસ..ટી ચાલકે બોડેલી એસ.ટી ડેપોના મેનેજર નો સંપર્ક કરતા મેનેજરે એસ.ટી બસ બોડેલી બસ સ્ટેન્ડ પર લઈ આવવાનું કહ્યું અને ત્યાર બાદ ઘટનાની જાણ નિગમના અધિકારીને કરવામાં આવી હતી.
એસ.ટી વિભાગના અધિકારીએ બસ ચાલકોને જણાવ્યું કે, ભલે નુકશાન સામાન્ય થયું હોય પણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવો. પોતાના વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાનું પાલન કરવા બસના ડ્રાઈવર અને કંડક્ટર બંને સવારના 11 વાગ્યાની આસપાસ બોડેલી પોલીસ સ્ટેશને ગયા. પરંતુ કોઈક કારણસર પોલીસ ફરિયાદ લેવામાં વિલંબ થયો હતા. બીજી બાજુ, મુસાફરો બોડેલીના બસ ડેપો ડ્રાઈવર-કંડક્ટરની રાહ જોતા રહ્યા પણ રાત્રિના 11 વાગ્યા સુધી પણ બંને ન આવતા ગરીબ આદિવાસી મુસાફરો મૂંઝવણમાં મૂકાયા હતા. નાના ભૂલકાઓ સાથે સહ પરિવાર પેટિયું રળવા વહેલી સવારથી ઘરેથી નીકળેલા ગરીબ આદિવાસી શ્રમિક મુસાફરો પાસે જમવાના રૂપિયા પણ ન હતા. બપોરથી તેમના સંતાનો ભૂખ્યા-તરસ્યા હતા. ગરમી હોવા છતાં કેટલાક બસમાં સૂઈ રહ્યા તો કેટલાક મુસાફરોએ તેમના બાળકોને ડેપોના મેદાનમાં બહાર સૂવડાવી દીધા હતા. 5૦૦ કિલોમીટર દુર સુધીની મુસાફરી કરવાની હજુ બાકી હતી, જેને લઇ આ ગરીબ મુસાફરોને પણ ચિંતા હતી કે બસના ડ્રાઈવર-કંડક્ટર વહેલા આવે અને તેઓ સવાર પડતા પોતાના મુકામ ઉપર પહોંચી મજૂરીએ લાગે. આ વિશે એક મુસાપ
ફર સુમન રાઠવાએ જણાવ્યું કે, ભૂખ્યા-તરસ્યા અમારા માટે એસટી વિભાગ દ્વારા અન્ય કોઈ વૈકલ્પિક વ્યવાસ્થા તો ન જ કરાઈ, પરંતુ નાના બાળકોને જોઈને પણ અધિકારીઓમાં પણ માનવાતા ન જાગી. કોઈએ અમારી પરવાહ ન કરી.
પરંતુ *માનવતા હજી મરી પરવારી નથી*. એક તરફ જ્યાં એસટી અધિકારીઓના પેટનું પાણી ન હાલ્યુ, તો બીજી તરફ એક દંપતીને તેમના પર દયા આવી. રોજની જેમ ડેપો બહાર બેસવા આવતાં એક મુસ્લિમ ભાઈ *સઈદ મન્સૂરીને* આ બાબતની જાણ થતા તેમણે અંદર જઈ મુસાફરોની દયનીય સ્થિતિ જોઈ અને તરત જ ઘરે ફોન કરી પોતાની પત્નીને આ મુસાફરો માટે જમવાનું બનાવવાનું જણાવ્યું. ત્યાર બાદ ખુદ આ સેવાભાવી મુસ્લિમ દંપતીએ જાતે પોતાના મિત્ર વર્તુળ સાથે જઈ ગરીબ આદિવાસી મુસાફરોનાં પેટનો ખાડો પૂર્યો હતો.