આર.ટી.ઓ ની ટીમને જોતા 150 વિદ્યાર્થીઓને રસ્તામાં રઝળતા મૂકીને વાન ચાલકો ભાગ્યા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આર.ટી.ઓ ની ટીમને જોતા 150 વિદ્યાર્થીઓને રસ્તામાં રઝળતા મૂકીને વાન ચાલકો ભાગ્યા, ટ્રાફિક પોલીસે સ્કૂલે પહોંચાડ્યા આર.ટી.ઓ. અને સ્કૂલ વાન એસોસિએશન વચ્ચે કાયદાને લઇ પડેલી મડાગાંઠમાં માસૂમ વિદ્યાર્થીઓની હાલત કફોડી બની ગઇ છે. આજે સવારે વાનમાં વિદ્યાર્થીઓ લઇને નીકળેલા સ્કૂલવાન ચાલકો આર.ટી.ઓ.ની ટીમ જોતા 150 જેટલા વિદ્યાર્થીઓને સમા વિસ્તારમાં રસ્તા પર રઝળતા મૂકીને રવાના થઇ ગયા હતા. જોકે, વિદ્યાર્થીઓને સલામત સ્કૂલે પહોંચાડવા માટે મેદાનમાં ઉતરેલ ટ્રાફિક પોલીસ દ્વારા તમામ વિદ્યાર્થીઓ જે-તે સ્કૂલમાં સલામત પહોંચતા કરવામાં આવ્યા હતા.
પોલીસ સરકારી વાહનમાં વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા ગઇ
પોલીસ તંત્ર અને આર.ટી.ઓ.એ ટેક્ષી પાસિંગ માટે મુદત આપવાનો ઇન્કાર કરવા છતાં પાસિંગ વિનાની વાન લઇને વાન ચાલકો વિદ્યાર્થીઓને સ્કૂલે પહોંચાડવા માટે નીકળ્યા હતા. બીજી બાજુ આર.ટી.ઓ. ટીમ દ્વારા વાન ડીટેઇન કરવાનું શરૂ કરતા ગભરાઇ ગયેલા વાન ચાલકો વિદ્યાર્થીઓએ રસ્તા વચ્ચે વિદ્યાર્થીઓને મૂકીને રવાના થઇ ગયા હતા. જોકે, ટ્રાફિક પોલીસે પોતાના સરકારી વાહનોમાં રસ્તે રઝળતા મૂકીને ચાલ્યા ગયેલા સમા વિસ્તારની સ્કૂલોના 150 જેટલા બાળકોને તેઓની સ્કૂલોમાં સલામત મૂકી આવ્યા હતા.
વાનચાલકો ટેક્ષી પાસિંગ વીનાની વાનોમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં મૂકવા માટે નીકળ્યા
ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે વડોદરા સ્કૂલ વાન એસોસિએશન, આર.ટી.ઓ. અને પોલીસ તંત્ર વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠકમાં પોલીસ અને આર.ટી.ઓ. સ્કૂલ વાન એસોસિયેશનની માંગણીઓ ફગાવી દીધી હતી. તેમ છતાં આજે સ્કૂલ વાનચાલકો ટેક્ષી પાસિંગ વીનાની વાનોમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં મૂકવા માટે નીકળ્યા હતા. તો બીજી બાજુ આર.ટી.ઓની ટીમો પણ પાસિંગ વિનાની સ્કૂલ વાનોને ડીટેઇન કરવા માટે સ્કૂલો નજીક ગોઠવાઇ ગઇ હતી. અને સમા વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાંથી 12 સ્કૂલવાનો ડીટેઇન કરી આર.ટી.ઓ. કચેરીમાં જમા કરી દીધી હતી. આ સાથે શહેર ટ્રાફિક પોલીસ પણ સરકારી વાહનો સાથે વિદ્યાર્થીઓને સ્કૂલોમાં પહોંચતા કરવા માટે વિવિધ વિસ્તારોમાં તૈનાત હોવાના કારણે વિદ્યાર્થીઓને સ્કૂલોમાં સમયસર પહોંચતા કરી દેવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓના વાલીઓના જીવ અદ્ધર થઇ ગયાસ્
કૂલવાન એસોસિએશન અને આર.ટી.ઓ. વચ્ચે ટેક્ષી પાસિંગ બાબતે પડેલી મડાગાંઠમાં વિદ્યાર્થીઓના વાલીઓના જીવ અદ્ધર થઇ ગયા છે. આજે સમા વિસ્તારમાં 150 વિદ્યાર્થીઓને સ્કૂલવાન ચાલકો રસ્તામાં મૂકીને રવાના થઇ ગયા હોવાની જાણ મોડે મોડે વાલીઓને થતાં વાલીઓ ચિંતામાં આવી ગયા હતા. વાલીઓ માટે હવે પોતાના બાળકોને સ્કૂલમાં જાતે મૂકવા જવું કે સવારે સ્કૂલવાન આવે તેમાં મોકલવા, તે બાબતે અવઢવમાં આવી ગયા છે.
અમે કોઇપણ હાલતમાં દંડ ભરીશું નહીં.
સ્કૂલ વાન એસોસિએશનના પ્રમુખ જીવણભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મોડી સાંજે મીડિયા દ્વારા જાહેરાત કરી છે કે, સ્કૂલવાન પાસિંગ માટે એક માસની મુદત આપવામાં આવે છે. અને શુક્રવારથી કોઇપણ સ્કૂલવાન ડીટેઇન ન કરવા આર.ટી.ઓ. વિભાગને સૂચના આપવામાં આવી છે. તેમ છતાં આજે શુક્રવારે સવારે 12 સ્કૂલવાન આર.ટી.ઓ. વિભાગ દ્વારા ડીટેઇન કરવામાં આવી છે. અમો સ્કૂલવાન ચાલકો આર.ટી.ઓ. કચેરીમાં આવ્યા છે. અને દંડ ન ભરવાનો નિર્ણય લીધો છે. આર.ટી.ઓ.ને અમારી વાન છોડવી હોય તો છોડે. અમે કોઇપણ હાલતમાં દંડ ભરીશું નહીં.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )