નવા વિદેશ મંત્રી જયશંકર પાસે લોકોએ ટ્વીટર પર મદદ માગી અને પછી…
દેશના નવા વિદેશ મંત્રી એસ. જયશંકર પોતાના મંત્રાલયનો કાર્યભાર સંભાળતાં જ સક્રીય થઇ ગયા છે અને તેઓ પણ પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના માર્ગે ચાલી રહ્યાં છે. એક મહિલાએ ટ્વીટરની મદદથી ભારતીય વિદેશ મંત્રી પાસે મદદ માગતાં જયશંકરે તેમને તરત મદદનું આશ્વાસન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ટ્વીટર પર સક્રીય રહીને ઘણાં લોકોની મદદ કરતાં હતાં.
એસ. જયશંકરને કાર્યભાર સંભાળ્યા બાદ શનિવારે રિંકી નામની એક મહિલાએ વિદેશ મંત્રી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને ટેગ કરતા મદદની અપીલ કરી હતી. જેમાં તેમણે લખ્યું કે, મારી બે વર્ષની છોકરી છે, હું છ મહિનાથી પ્રયત્ન કરી રહી છું. તે અમેરિકામાં છે અને હું ભારતમાં છે. મારી મદદ કરો. હું તમારા જવાબની રાહ જોઇ રહી છું.વિદેશ મંત્રી એસ. જયશંકરે મહિલાને તરત જવાબ આપતાં લખ્યું કે, અમેરિકામાં અમારા રાજદૂત તમારી મદદ કરશે. તમે તેમને જાણકારી આપી દો. અન્ય એક મહાલક્ષ્મી નામની મહિલાએ ટ્વીટરની મદદથી વિદેશ મંત્રીની મદદ માગી હતી. તેમણે કહ્યું કે, અમે પરિવાર સાથે જર્મની અને ઇટલીના પ્રવાસે પર છીએ. મારા પતિ અને પુત્રનો પાસપોર્ટ મારી બેગ સાથે ચોરી થયો છે. અમે 6 જૂને ભારત પરત ફરવાના છીએ. મહેરબાની કરીને મદદ કરો. આ ટ્વીટ પર પણ વિદેશ મંત્રીએ જવાબ આપ્યો હતો.આના ઉપરાંત અન્ય એક મહિલાએ પોતાના પતિને કુવૈતથી પરત બોલાવવાં માટે ટ્વીટ કરી તો જયશંકરે તરત જવાબ આપીને કહ્યું કે અમારા રાજદૂત આના પર કામ કરી રહ્યાં છે