ફેસબુક પર મિત્રતા કરીને મહિલા પાસેથી 12 લાખ રૂપિયા અને મિલકતો પચાવી પાડનાર આરોપી ઝડપાયો
પરિણીત મહિલા સાથે ફેસબુક પર મિત્રતા કેળવી રૂપિયા 12 લાખ તેમજ મિલકત લખાવી લેનાર નડિયાદના નિકુંજ સોનીની પોલીસે ધરપકડ કરી છે. નિકુંજે બેંકમાં નોકરી કરતો હોવાનું જણાવી મહિલાને ફ્રેન્ડ બનાવી હતી.
બ્લેકમેઇલ કરીને રૂપિયા અને મિલકતો પડાવી લીધી
એ.સી.પી. ડી.એસ. ચૌહાણે માહિતી આપતા જણાવ્યું કે, ખેડા જિલ્લાના જુના ડુંગરાળ રોડ, નડિયાદ ખાતે આવેલા અનેરી હાઇટ્સમાં રહેતા નિકુંજ ભરત સોનીની પરિણીત મહિલાને બ્લેકમેઇલ કરીને નાણાં તેમજ મિલકત પડાવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. નિકુંજ સોનીએ મહિલાની ફેસબુક મિત્ર બનાવી હતી, ત્યારબાદ ફેસબુક અને વો્ટસઅપ ઉપર ચેટીંગ કરતો હતો. મિત્રતા ઘનિષ્ઠ થયા બાદ તેણે મહિલાને બ્લેકમેઇલ કરીને નાણાં અને મિલકતો પડાવવાની શરૂઆત કરી હતી.
આરોપી નિકુંજ વારંવાર ધાકધમકી આપતો હતો
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નિકુંજ સોનીએ મહિલાને પતિને જાણ કરી દેવાની પુત્રને મારી નાંખવાની ધમકી આપી હતી. અને મહિલા તથા તેની માતા પાસેથી રૂપિયા 12 લાખ પડાવ્યા હતા. આ ઉપરાંત તેઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, બેંકના કોરા ચેક, શેર સર્ટીફીકેટ તેમજ મિલકતની પાવર ઓફ એટર્ની લખાવી લીધી હતી. અવાર-નવાર ધમકી આપીને પૈસાની માંગણી કરતા નિકુંજ સોનીથી મહિલા ત્રાસી જતાં તેઓએ ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાંચે નિકુંજ સોનીની ધરપકડ કરીને મુદ્દામાલ પણ કબજે કર્યો છે.