છ દાયકા કરતાં વધુના સમયકાળમાં વડોદરાની પોલીસ તાલીમ શાળાએ ગુજરાતના પોલીસ બેડા માટે ૬૬૯૩૮ જવાનોનું ઘડતર

છ દાયકા કરતાં વધુના સમયકાળમાં વડોદરાની પોલીસ તાલીમ શાળાએ ગુજરાતના પોલીસ બેડા માટે ૬૬૯૩૮ જવાનોનું ઘડતર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છ દાયકા કરતાં વધુના સમયકાળમાં વડોદરાની પોલીસ તાલીમ શાળાએ
ગુજરાતના પોલીસ બેડા માટે ૬૬૯૩૮ જવાનોનું ઘડતર કર્યું છે
******************************
રવિવારે ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહજી જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં હથિયારી લોકરક્ષકની
બીજી બેચના ૬૨૯ તાલીમાર્થીઓને પોલીસ દળમાં જોડાવા દિક્ષાંત વિદાય અપાશે
******************************
સફળ લોકરક્ષક તાલીમાર્થીઓમાં ૮ ઇજનેરો ૨૪૮ સ્નાતકો અને ૨૮ અનુસ્નાતકોનો સમાવેશ
વડોદરા તા. ૧૪ જૂન, ૨૦૧૯ (શુક્રવાર) શહેરમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલી પોલીસ તાલીમ શાળા, વડોદરાની સ્થાપના સન ૧૯૫૫માં થઇ હતી. આ પ્રતિષ્ઠિત પોલીસ તાલીમ સંસ્થા રાજય પોલીસ દળમાં જોડાવા માટે પસંદ થયેલા કોન્સ્ટેબલ કક્ષાના જવાનોને પ્રશિક્ષણથી સુસજ્જ કરવાનું કામ છેલ્લા ૬૪ વર્ષથી કરી રહી છે. આ વ્યાપક કાર્યકાળ દરમિયાન આ સંસ્થાએ ૬૬૯૩૮ જવાનોને તાલીમબદ્ધ કરવાનું ભગીરથ કામ કર્યું છે અને રાજય પોલીસ બેડાને મજબૂત કર્યું છે.
હાલમાં આ સંસ્થા ખાતે રાજયના ૩૮ પોલીસ જિલ્લામાં હથિયારી લોકરક્ષક તરીકે પસંદ થયેલા ૬૨૯ જવાનોએ આઠ માસની નિર્ધારીત અને આકરી તાલીમ પૂરી કરી છે. આ લોકોના દિક્ષાંત સમારંભનું રવિવાર તા. ૧૬/૦૬/૨૦૧૯ના રોજ લાલબાગ પોલીસ તાલીમ શાળાના પરેડ મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે. આ ૬૨૯ ઘડાયેલા જવાનોમાં ૦૮ ઇજનેર, ૨૪૮ સ્નાતક અને ૨૮ અનુસ્નાતકોનો સમાવેશ થાય છે. આ દર્શાવે છે કે ક્રમશઃ ગુજરાતનું પોલીસ દળ, જે દેશનું સહુથી યુવા પોલીસ દળ છે તે સહુથી ઉચ્ચ શિક્ષિત પોલીસ દળ બનવા તરફ અગ્રેસર છે.
રવિવારના રોજ સવારના ૭.૦૦ વાગે રાજયના ગૃહ મંત્રીશ્રી પ્રદિપસિંહજી જાડેજા આ નવા જવાનોને, જે તે જિલ્લાઓના પોલીસ દળમાં જોડાઇને પોલીસમેન તરીકે કારર્કિદી શરૂ કરવા દિક્ષાંત વિદાય આપશે. ગણવેશધારી જવાનો શિસ્તબદ્ધ અને શાનદાર પરેડ દ્વારા તેમને સલામી આપશે. તેઓ તાલીમ દરમિયાન ઉજ્જવળ દેખાવ કરનારા જવાનોને વિભૂષિત કરશે. આ પ્રસંગે રાજયના અધિક પોલીસ નિર્દેશક (તાલીમ) શ્રી વિકાસ સહાય ખાસ ઉપસ્થિત રહેશે.
ખડતલ અને સક્ષમ પોલીસ જવાન તરીકે પ્રત્યેક તાલીમાર્થીને ઘડવાનું કામ આ તાલીમ સંસ્થા કરે છે એવી જાણકારી આપતાં પોલીસ તાલીમ શાળાના આચાર્યશ્રી આર.જે.સવાણીએ જણાવ્યું કે, સઘન ઇનડોર એટલે કે વર્ગખંડની તાલીમ દરમિયાન જવાનોને કાયદાની વિવિધ કલમો, પોલીસ મેન્યુઅલ, ગુનાશોધન વિજ્ઞાન, ક્રિમીનોલોજી, માનવ અધિકારો, બંધારણની જોગવાઇઓ, પોલીસના કાર્યો અને ફરજો, અટકાયતી પગલાં, સગીરાને લગતો રાજયનો અને કેન્દ્રનો કાયદો ઇત્યાદીનું વ્યાપક શિક્ષણ આપવામાં આવે છે. તેની સાથે માનવ વર્તન, પોલીસ કલ્યાણ, ડોમેસ્ટીક પ્લાનીંગનું વિષય તજજ્ઞો પ્રશિક્ષણ આપે છે. આઉટડોર તાલીમના ભાગરૂપે ફિઝીકલ તાલીમ, બોક્સિંગ, યોગ, હથિયાર વગર મુકાબલો, સ્કવોડ ડ્રીલ, પ્લાટુન ડ્રીલ, લાઠી ડ્રીલ, રાયફલ ડ્રીલ, મોબ ડ્રીલ, આધુનિક હથિયારોની તાલીમ, અગ્નિશમન, આપત્તિ નિવારણ, પેટ્રોલીંગ, નાકાબંધી, વાહનોની તપાસ, કેદી જાપ્તો, એસ્કોર્ટ ડ્યુટી જેવી દળની ફરજોમાં જરૂરી તાલીમ આપવામાં આવે છે. પોલીસ દળ માટે પસંદ થયેલા નવલોહિયો કાચો કોરો જવાન આ સંસ્થામાં વિવિધ રીતે ઘડાઇને એક ખડતલ, સક્ષમ, કાર્યનિષ્ઠ જવાનનું રૂપ પામે છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )