વડોદરાના તરસાલીમાં ફાયર સેફ્ટીના ચેકીંગમાં માત્ર કાગળ પર ચાલતી ડમી સ્કૂલ ઝડપાઈ ડી.ઓ. કચેરી દ્વારા સ્કૂલની માન્યતા રદ કરવા સરકારમાં ભલામણ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ડી.ઓ. કચેરીને અંધારામાં રાખવામાં આવી કે પછી આંખ આડા કાન કર્યા?

વડોદરાઃછેલ્લા પાંચ વર્ષથી માત્ર ચોપડાઓ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા બતાવીને શિક્ષણનો વેપાર કરતી તરસાલીની નોન ગ્રાન્ટેડ જીવન સંસ્કાર નામની સ્કૂલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની તપાસમાં મળી આવી છે. સુરતની ઘટના બાદ ડી.ઓ. કચેરી દ્વારા ફાયર સેફ્ટી અંગે સ્કૂલોમાં હાથ ધરાયેલા ચેકીંગ દરમિયાન ભોપાળું બહાર આવ્યું હતું.

કાગળ પર વિદ્યાર્થીઓની સંખ્યા બતાવાયેલી
શહેરના તરસાલીમાં નોન ગ્રાન્ટેડ જીવન સંસ્કાર નામની સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં ધોરણ-10,11 અને 12 ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવતો હતો. પરંતુ, વિદ્યાર્થીઓને સ્કૂલમાં શિક્ષણ આપવામાં આવતું ન હતું. સ્કૂલમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને પ્રાઇવેટ ટ્યૂશન ક્લાસમાંજ અભ્યાસ કરવાનો રહેતો હતો. વિદ્યાર્થીનું સ્કૂલમાં એડમીશન બતાવવા માટેજ આ સ્કૂલ ચાલતી હતી. સ્કૂલના સંચાલકો દ્વારા છેલ્લા 5 વર્ષથી આ રીતે સ્કૂલ ચલાવતા હતા. અને વિદ્યાર્થીઓ પાસેથી એડમીશનના નામે ફી વસુલ કરતા હતા. એતો ઠીક ડી.ઓ. કચેરીમાં પણ ચોપડાઓ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા બતાવીને સ્કૂલનું શૈક્ષણિક કાર્ય બતાવતા હતા. અને સ્કૂલની માન્યતા જાળવી રાખતા હતા.
એડમિશન લઈ વિદ્યાર્થી ટ્યુશનમાં જતા
સુરતમાં 20 વિદ્યાર્થીઓનો ભોગ લેનારી ઘટના બાદ ડી.ઓ. કચેરી દ્વારા શહેર-જિલ્લાની સ્કૂલોમાં ફાયર સેફ્ટીનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. જે ચેકીંગ દરમિયાન તરસાલીની જીવન સંસ્કાર સ્કૂલ વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ચોપડા બતાવીને સ્કૂલ ચલાવતા હોવાનું ભોપાળું બહાર આવ્યું હતું. ડી.ઓ. કચેરીના ઇન્સ્પેક્ટરોની તપાસમાં આ સ્કૂલના સંચાલકો છેલ્લા 5 વર્ષથી વિદ્યાર્થીઓની ખોટી સંખ્યા બતાવતા હતા. અને સ્કૂલનો માત્ર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટેજ ચલાવતા હતા. સ્કૂલમાં શિક્ષણ આપવામાં આવતું ન હતું. પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને પ્રાઇવેટ ટ્યૂશન કરીને અભ્યાસ કરવાનો રહેતો હતો.
અધિકારીઓએ આંખ આડા કાન કર્યા
ઉલ્લેખનિય છે કે, ડી.ઓ. કચેરી દ્વારા શહેર-જિલ્લામાં આવેલી 600 જેટલી સ્કૂલોમાં નિયમીત ચેકીંગ કરવામાં આવતું નથી. ડી.ઓ. કચેરીના અધિકારીઓ દ્વારા માત્રને માત્ર ઓફિસોમાં બેસીને વહીવટ કરતા હોવાનું જીવન સંસ્કાર સ્કૂલના બહાર આવેલા ભોપાળા ઉપરથી ફલિત થાય છે. ત્યારે શહેર-જિલ્લામાં આવી કેટલી સ્કૂલો ચાલે છે. તે પણ હવે તપાસ માંગી લે છે. ડી.ઓ. કચેરી ખરેખર આ જીવન સંસ્કાર સ્કૂલ બાબતે અંધારામાં હતું? કે પછી, આ સ્કૂલ પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવતા હતા? કે પછી, ડીઓ કચેરીના જ કોઇ ભ્રષ્ટ કર્મચારીઓ આ સ્કૂલ સાથે મળેલા હતા?
ખોટી હાજરી બતાવી સ્કૂલ ચાલતીઃડીઈઓ
જિલ્લા શિક્ષણાધિકારી યુ.એન. રાઠોડે જણાવ્યું હતું કે, ખોટી હાજરી બતાવીને સરકારી ગ્રાન્ટ મેળવતી તરસાલીની જીવન સંસ્કાર સ્કૂલની માન્યતા રદ કરવા માટે રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં મોકલવામાં આવ્યો છે. આ બાબતે જીવન સંસ્કાર સ્કૂલના સંચાલકો યોગેશ શાહ અને કિરણ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, થઇ શક્યો ન હતો.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
NEWER POSTકર્ણાટક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય
OLDER POSTગોધરાની શાળા અન્યત્ર  ખસેડવાની હિલચાલ સામે  હોબાળો

COMMENTS

Wordpress (0)
Disqus (3 )