વડોદરામાં આગામી બે દિવસ સ્કૂલવાન બંધ, દોઢ લાખ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
સવારે વાનચાલકોએ વાલીઓને ફોન કર્યા, બાળકોને લેવા નહીં અવાય
પોલીસ આરટીઓના ચેકિંગમાં 31 વાહનો ડિટેઇન
હજુ બુધ-ગુરુ બે દિવસ સ્કૂલવાન ચાલકોની હડતાલ રહેશે
સ્કૂલવાન એસો.ની બેઠકમાં હડતાળનો નિર્ણય
મંગળવારે સવારે અચાનક સ્કૂલવાન ચાલકોએે બાળકોને લેવા નહીં અવાય તેવો ફોન કરતાં વાલીઓ દોડતા થયા હતા. અચાનક હડતાલને પગલે વર્કિંગ પેરન્ટની હાલત કફોડી બની હતી. જ્યારે શાળા પાસે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ઘણા વાલીઅોને બે સંતાનોની અલગ અલગ સ્કૂલ પર લેવા- મૂકવાની દોડધામ કરવી પડી હતી. અમદાવાદની ઘટનાને પગલે પોલીસ અને અારટીઅોની કુલ 17 ટીમ દ્વારા વહેલી સવારથી ચેકિંગ હાથ ધરી 3 બસ, 12 ઓટો રિક્શા, 16 વાન મળી કુલ 31 વાહન ડિટેઇન કરવામાં અાવ્યાં હતાં. કેટલાક વાનચાલકો પોલીસને જોતાં જ અધવચ્ચે જોખમી રીતે બાળકોને ઉતારી દેતા હોવાના બનાવો નોંધાયા હતા. બપોરે પણ સ્કૂલ છૂટતા સમયે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. સાંજે બદામડી બાગમાં મળેલી સ્કૂલવાન એસો.ની બેઠકમાં 19-20 તારીખે હડતાલ ચાલુ રાખવા નિર્ણય લેવાયો હતો.
ચેકિંગ ચાલુ રહેશે, કોઇ છૂટછાટ નહીં અપાય
દર વર્ષે નવા સત્રમાં મુદત માંગવામાં આવે છે. પરંતુ વાનચાલકો પાસિંગ કરાવતા નથી. આગામી દિવસમાં ચેકિંગ ચાલુ રહેશે. ટ્રાન્સપોર્ટ કમિશ્નરની સ્પષ્ટ સૂચના છે, કોઇ છૂટછાટ નહીં અપાય. – એ.એમ.પટેલ, એઆરટીઓ