આગામી તા.૩૧ મી ઓક્ટોબર-૨૦૨૦ સરદાર જન્મજયંતી સુધીમાં કેવડીયા કોલોની સુધી રેલ્વેની સેવાઓ ચાલુ થાય તેવા સુચારા આયોજન સાથે અથાક પ્રયાસો હાથ ધરાયાં છે – કેન્દ્રિય રેલ્વે રાજ્યમંત્રીશ્રી સુરેશ અંગાડી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા કોલોની ખાતે નવી રેલ્વે લાઇનની થઇ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ સાથે વિચાર-વિમર્શ કરતાં રેલ્વે રાજ્ય મંત્રી અંગાડી : સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની અતિ વિરાટ : પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરતાં રેલ્વે રાજ્ય મંત્રી અંગાડી

કેન્દ્રિય રેલ્વે રાજ્યમંત્રી સુરેશ અંગાડીએ આજે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે ચાણોદથી – કેવડીયા સુધીની નવી રેલ્વે લાઇનની હાથ ધરાયેલી કામગીરી સંદર્ભે કેવડીયા કોલોનીના રેલ્વે સ્ટેશનના બાંધકામ સ્થળે રેલ્વે વિભાગ દ્વારા પ્રદર્શિત કરાયેલી આ નવી લાઇનના ખાતમુહુર્ત સહિત કેવડીયા રેલ્વે સ્ટેશનની ડિઝાઇન, ડભોઇ-ચાણોદ બ્રોડગેજ રૂપાંતરણની પ્રગતિ અને આયોજન, ચાણોદ-કેવડીયા નવી લાઇન, જમીન સંપાદનની સ્થિતિ વગેરે જેવી તકનીકી વિગતોની જાણકારી મેળવી હતી. કેવડીયા કોલોની ખાતેના રેલ્વે સ્ટેશનના થઇ રહેલા બાંધકામનું પણ તેમણે નિરીક્ષણ કરી રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓ, ઇજનેરઓ અને ઇજારદાર સાથે સ્થળ ઉપર જરૂરી વિચાર-વિમર્શ કર્યો હતો.

કેન્દ્રિય રેલ્વે રાજ્ય મંત્રી ની આ મુલાકાત દરમિયાન ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા), રેલ્વેના EDPG ધનંજય સિંઘ, OSD અનીશ હેગડે, પશ્વિમ રેલ્વેના જનરલ મેનેજર અનિલકુમાર ગુપ્તા પણ મંત્રીની સાથે આ પ્રવાસમાં જોડાયાં હતાં. આ પ્રસંગે નાંદોદના પ્રાંત અધિકારી કે.ડી. ભગતે પણ ખાસ ઉપસ્થિત રહીને નર્મદા જિલ્લામાં આ રેલ્વે લાઇન સંદર્ભે જમીન સંપાદન સંદર્ભે થયેલી કામગીરીથી મંત્રીને વાકેફ કર્યાં હતાં.
કેન્દ્રિય રેલ્વે રાજ્ય મંત્રી સુરેશ અંગાડીએ કેવડીયાની આ મુલાકાત અગાઉ ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) અને રેલ્વેના ઉચ્ચાધિકારીઓ સાથે ડભોઇ અને ચાંણોદ રેલ્વે સ્ટેશનોની પણ મુલાકાત લઇ રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું.
કેવડીયા રેલ્વે સ્ટેશનની બાંધકામ સાઇટની મુલાકાત બાદ કેન્દ્રિય રેલ્વે રાજ્ય મંત્રી સુરેશ અંગાડીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના મ્યુઝીયમમાં માધ્યમો સાથેના સંવાદમાં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્ર સુરેશ અંગાડીએ જણાવ્યું હતું કે, આગામી તા.૩૧ મી ઓક્ટોબર, ૨૦૨૦ સરદાર સાહેબની જન્મજયંતી સુધીમાં વિશ્વના પ્રવાસન નકશામાં અંકિત થયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી – કેવડીયા કોલોની સુધી રેલ્વે લાઇનની કામગીરી પૂર્ણ કરીને કેવડીયા કોલોની સુધી રેલ્વેની સેવાઓ ચાલુ થાય તેવા સરકાર તરફથી સુચારા આયોજન સાથે અથાક પ્રયાસો હાથ ધરાયાં છે. ગઇકાલે વડોદરા ખાતે સંબંધિત સંસદસભયો ધારાસભ્યો સાથે પરામર્શ બેઠક કરીને જમીન સંપાદનની કામગીરી સહિતની અન્ય બાબતો અંગે પણ જરૂરી વિચાર-વિમર્શ કરાયો છે, ત્યારે આ કામ નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે માટે ઇશ્વર તરફથી પૂરતી શક્તિ મળી રહે તેવી પ્રભુ પ્રાર્થના પણ તેમણે કરી હતી.
કેન્દ્રિય રેલ્વે રાજ્ય મંત્રીએ આજે લીધેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન ૪૫ માળની ઉંચાઇવાળી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી વિંધ્યાચલ-સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક-સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદા” ના પવિત્ર દર્શન કર્યાં હતાં. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રદર્શન અને સરદાર સાહેબના જીવન-કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ તેમણે રસપૂર્વક નિહાળી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર અને નાયબ મુખ્ય વહિવટદાર નિલેશ દુબેએ રેલ્વે રાજ્ય મંત્રી અંગાડીને સરદાર સાહેબની પ્રતિમાનું પ્રતિક અને કોફી ટેબલ બુક પણ એનાયત કરી હતી.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )