મગફળી ખરીદીમાં 866 કરોડની સહાયને 993 કરોડનો ખર્ચ……..!

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ભારે વરસાદના કારણે મગફળીના પાકમાં મોટુ નુકશાન ગયું છે. બીજી બચી ગયેલી મોટાભાગની મગફળી પણ ગુણવત્તાને લઇને ટેકાના ભાવની ખરીદીમાંથી કાઢી નાંખવામાં આવે તેવો ભય ખેડૂતોમાં છે. તેવી સ્થિતિ વચ્ચે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને રૂા. 866.55 કરોડની સહાય કરવા માટે રૂા. 993.75 કરોડ ખર્ચ કરી નાંખશે! જેને લઇને એક તબકકે સોના કરતા ઘડામણ મોઘું થાય તેવો તાલ સર્જાશે.
મગફળીની ટેકાના ભાવની ખરીદીમાં ચાલતા તિકકમ્ અંગે મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલો તથા હાલ સોશિયલ મીડિયામાં ફરતો થયેલો એક પત્ર ભારે રસપ્રદ છે. આ પત્રમાં જણાવ્યા અનુસાર રાજયમાં હાલ 15 લાખ હેકટરથી વધુ મગફળીનું વાવેતર થયું છે. સરકારે નકકી કરેલી હેકટરે 2025 કિલોની ઉત્પાદકતા અનુસાર રાજયમાં 31.80 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ છે. કેન્દ્ર સરકારના નિયમ મુજબ કુલ ઉત્પાદનના 25 ટકા એટલે કે 7.95 લાખ ટન મગફળી રાજય સરકારે ટેકાના ભાવે ખરીદશે.
સરકારે ટેકાના ભાવ પ્રતિ મણ રૂા. 1018 જાહેર કર્યો છે. જેની સામે ખૂલ્લા બજારમાં 800 રૂપિયે મગફળી વેચાય છે. એટલે કે ખેડૂતોને પ્રતિમણ રૂા.218ની સહાય સરકાર કરવા માગે છે. આ પ્રમાણે 7.95 લાખ ટનનો હિસાબ કરીએ તો સરકાર રૂા. 866.55 કરોડની સહાય ખેડૂતોને કરવા માંગે છે. પરંતુ ટેકાના ભાવની ખરીદી માટે સરકાર તેનાથી ઘણો વધારે ખર્ચ કરી નાંખે છે.! તોલાઇ, ચડાઇ, ઉતરાઇ, હેરફેર વગેેરેની મજૂરી, બારદાન, પરિવહન ખર્ચ, ગોડાઉનનું ભાડું સંગ્રહ કરેલ મગફળીની જાળવણી અને વિમા પ્રિમિયમનો ખર્ચ નોડલ એજન્સીનું કમિશન, સરકારી મશીનરીનો ઉપયોગ, માનવ કલાકોનો વપરાશ વગેરેનો હિસાબ કરવામાં આવે તો 250 રૂપિયા પ્રતિમણ થવા જાય છે. આ હિસાબે 7.95 લાખ ટન ટેકાની ખરીદી માટે સરકાર 993.75 કરોડનો ખર્ચ કરશે.!
આ ગણિત અનુસાર સરકારને 127 કરોડની સીધી જ નુકશાની જઇ રહી છે. બીજી તરફ ભ્રષ્ટ્રાચારી તત્વોના કારણે સાચા ખેડૂતોને તો ટેકાના ભાવનો લાભ મળતાં જ નથી. આ ઉપરાંત સરકાર 1018 રૂપિયાના ભાવની ખરીદેલી મગફળી જયારે બજારમાં વેચવા કાઢે ત્યારે 800 રૂપિયા પ્રતિમણ માંડ ઉપજે છે. આ સમયે પણ સરકારે કરોડો રૂપિયાની નુકશાની સહન કરવી પડે છે. એકદંરે સરકારને નુકશાન અને પૈસાનું ઘાણી કરવા છતાં ખેડૂતોમાં અસંતોષ રહી જાય છે. વચેટીયા અને ભ્રષ્ટાચારી તત્વો ખિસ્સા ભરી લે છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
NEWER POSTગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના અધ્યક્ષશ્રી ડૉ. નિમાબેન આચાર્યના વડપણ હેઠળની સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, વેલી ઓફ ફલાવર્સ, રિવર રાફટીંગ વગેરેની લીધેલી મુલાકાત

COMMENTS

Wordpress (0)
Disqus (0 )