આદિજાતિ વિસ્તારના ગામો – ખેડૂતો માટે મુખ્યમંત્રીશ્રીનો વધુ એક સંવેદનાસ્પર્શી નિર્ણય : પાનમ – હાઇલેવલ કેનાલમાંથી પંચમહાલ અને મહિસાગર જિલ્લાના ૩૮ ગામોના ૫૩ તળાવો ભરાશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

૨૧૬ કરોડ રૂપિયાની યોજનાને સૈધ્ધાંતિક મંજૂરી
……
પાનમ સિંચાઇ યોજનાના વધારાના પાણીથી ૧૦ હજાર હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા
૧૧ હજાર ધરતીપુત્રો – ૪પ હજાર ગ્રામીણ વસ્તીને મળશે યોજનાકીય લાભ
……..
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પંચમહાલ અને મહિસાગર જિલ્લાના આદિજાતિ ગામો-વિસ્તારોના ધરતીપુત્રોને સરળતાએ સિંચાઇ પાણી પુરૂં પાડવા સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીના આ જનહિતકારી નિર્ણય અનુસાર પાનમ સિંચાઇ યોજનાના વધારાના પાણીથી પાનમ હાઇલેવલ કેનાલમાંથી પાઇપલાઇન અને ઉદવહન દ્વારા આ બે જિલ્લાના ૩૮ ગામોના પ૩ તળાવો ભરવામાં આવશે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ આ હેતુસર રૂ. ૨૧૬ કરોડની યોજનાને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.
આ સિંચાઇ યોજનાના પિયત વિસ્તારની ભૌગોલિક સ્થિતી અને નાના-સિમાંત ખેડૂતો આર્થિક સક્ષમ ન હોવાથી સરેરાશ ૧૦ થી ૧પ મીટર જેટલું પાણી ઉદવહન કરીને લઇ જઇ શકતા નથી. ઉપરાંત આ વિસ્તાર અવાહક અને ખડકાળ હોવાથી અહિં સિંચાઇ માટે પાણી પુરૂં પાડવું એ પડકાર રૂપ છે.
મુખ્યમંત્રીશ્રીએ આ ધરતીપુત્રોની સમસ્યાના સંવેદનાસ્પર્શી સુચારૂ ઉકેલ રૂપે રૂ. ૨૧૬ કરોડની યોજનાને સૈધ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.
આ યોજના અન્વયે પંચમહાલ અને મહિસાગરના ૩૮ ગામોના ૫૩ તળાવો ૮૬.પ કિ.મીટર જેટલા પાઇપલાઇન નેટવર્કથી જોડીને ૬ જેટલા જુદા જુદા સ્થાનો પરથી પાણી ઉદવહન (લીફટ) કરીને ભરવાનું આયોજન છે.
શ્રી વિજયભાઇ રૂપાણીના જનહિતકારી આ નિર્ણયને પરિણામે ૧૦ હજાર હેકટર વિસ્તારમાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થશે તેમજ પંચમહાલ – મહિસાગર એમ બે જિલ્લાના ૩૮ ગામોના અંદાજે ૧૧ હજાર ખેડૂતો તથા ૪પ હજાર ગ્રામીણ વસ્તીને સિંચાઇનો લાભ મળશે.
ધરતીપુત્રો ખરીફ અને રવિ ઋતુમાં પણ પાક લઇ શકશે. ધરતીપુત્રોનું જીવન ધોરણ ઊંચુ આવશે. રોજગારી પણ વધશે અને માનવ તથા પશુજીવોને પીવાના પાણીનો લાભ મળતો થશે.
એટલું જ નહિ, ૬ પમ્પીંગ સ્ટેશન પરથી ૧૦ કયુસેકસથી ૬૦ કયુસેકસની વહન શકિતવાળી ૮ પાઇપલાઇન દ્વારા ૧૩ મીટર થી ૨૬ મીટર સુધીની ઊંચાઇ માટે પાણી ઊચકવા ૧ર૦ કિ.વોટથી ૬૦૦ કિ.વોટ વીજળી પ્રવાહનો ઉપયોગ આ પ૩ તળાવો ભરવા થશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, પાનમ જળાશય આધારિત પાનમ હાઇલેવલ કેનાલની ૩૦ કિ.મી. લંબાઇ અને ૮૦૦ કયુસેકસ ક્ષમતા છે. યોજનાની મેઇન કેનાલ અને ડીસ્ટ્રીબ્યૂટરીના આયોજન પૈકીના મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલના કામો પૂર્ણ થયા છે અને આ બનેલી નહેરોમા પાણી વહેવડાવવામાં આવે છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POST26થી 29 સપ્ટેમ્બર સુધી બેંકોની હડતાળ, 4 દિવસ બેંક બંધ જરૂરી કામ પતાવી દો

COMMENTS

Wordpress (0)
Disqus (0 )