કાશ્મીરમાં LoC પર પાકિસ્તાનની ‘નફ્ફટાઇ’, સીઝફાયરમાં 10 દિવસના બાળકને પણ ના છોડ્યું
જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ (LoC)ને અડીને આવેલા વિસ્તારોમાં પાકિસ્તાને ફરી એકવખત સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ભારતીય સરહદના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ગઇકાલે રાત્રે પાકિસ્તાનની તરફથી કરાયેલા આ ગોળીબારમાં એક 10 દિવસનું બાળક ઘાયલ થયું હતું. આજે એટલે કે સોમવારના રોજ આ બાળકનું મોત થયું છે. આ સિવાય બે વ્યક્તિઓની હાલત ગંભીર છે. જેમની સારવાર જમ્મુની એક હોસ્પિટલમાં ચાલી રહી છે.
પાકિસ્તાન ભારતીય સરહદના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાને પૂંછ જિલ્લામાં કૃષ્ણા ઘાટી, મેંઢર અને મનકોટ સેકટરમાં ઉશ્કેરવા માટે ફાયરિંગ કરીને ભારતીય ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા. આ ગોળીબારમાં 1 બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા.
આ અંગે જિલ્લા હોસ્પિટલના ડૉકટર મંજીત સિંહે કહ્યું હતું કે બાળકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી, ઓપરેશન બાદ બાળકને ઓબ્ઝર્વેશનમાં રખાયું હતું. પરતું અહીં સારવાર દરમ્યાન ઇજાઓના લીધે દમ તોડી દીધો છે.