કર્ણાટકનું કર્મ મધ્ય પ્રદેશમાં મળ્યું, ભાજપના બે ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાશે
મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. બુધવારે વિધાનસભામાં એક બિલ પર બે બીજેપી ધારાસભ્યોએ કોંગ્રેસના સમર્થનમાં વોટ નાખ્યો હતો. જે બાદ બંને ધારાસભ્યોએ કોંગ્રેસમાં સામેલ થવાના સંકેત આપ્યા છે. હવે એ સાફ થઈ ગયું છે કે, બંને ધારાસભ્યો કોંગ્રેસનો હાથ પકડવાના છે.
બીજેપીના બાગી ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીએ કહ્યું કે, ભાજપમાં મળેલાં અનુભવ બાદ મેં કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં હું પોતાની મરજીથી બીજેપીમાં આવ્યો ન હતો, પણ મને જબરદસ્તીથી બીજેપીમાં લાવવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જયા અન્ય પક્ષના નેતાને બહુ સારી રીતે આવકારાય છે પણ તે જ્યારે પાછો જાય છે તો તે કોઈપણ પ્રકારની રાજનીતિ કરવા લાયક રહેતો નથી.
ત્રિપાઠીએ કહ્યું કે, બીજેપીમાં અન્ય પક્ષોમાંથી આવેલાં નેતાઓનું માન-સન્માન ખતમ કરી દેવામાં આવે છે. હું ફક્ત વિકાસની રાજનીતિ કરું છુ. પણ મેહરનો વિકાસ નથી થયો અને કોઈ માન-સન્માન પણ મળ્યું નથી. તો મને લાગ્યું કે હવે આ ઘરમાં રહેવાની જરૂર નથી. દેશની પરિસ્થિતિથી હું ખુબ દુખી છું. જેના કારણે હું આજે ભાજપથી અલગ થઈને કોંગ્રેસમાં આવી ગયો છું.
તો બીજા ધારાસભ્ય શરદ કૌલે કહ્યું કે, અમે 5 વર્ષ સુધી વિકાસ ન કરી શકીએ અમને અહીં રહેવાનો કોઈ મતલબ નથી. અમને વિશ્વાસ છે કે, કમલનાથના નેતૃત્વમાં અમે પોતાના ક્ષેત્રનો વિકાસ કરીશું. અમે બીજેપીમાં રાજીનામું આપવાનું મન બનાવી લીધું છે.