બમ..બમ..ભોલે..ના નારા વચ્ચે અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો રવાના, કડક સુરક્ષાની વ્યવસ્થા
જમ્મૂ બેસ કેમ્પમાંથી રવિવારે સવારે અમરનાથ યાત્રીઓનો પહેલો જથ્થો રવાના થયો છે. જય ભોલેના નાદ સાથે અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. કડક સુરક્ષા વહેલી સવારે જમ્મુ કાશ્મીરના રાજ્યરપાલ સત્યપાલ મલિકના સલાહકાર કેકે શર્માએ અમરનાથ યાત્રાને લીલીઝંડી આપી.
આજથી શરૂ થયેલી યાત્રા 15મી ઓગસ્ટ સુધી ચાલવાની છે. યાત્રીઓની સુરક્ષા માટે સીસીટીવી, ડ્રોન અને ડોગ સ્કવોર્ડની મદદ લેવામાં આવી રહી છે. જમ્મુ સ્ટેશન પર આશરે 70 હજાર જેટલા યાત્રીઓ આવવાના છે.
જેથી સેનાએ જમ્મુ સ્ટેશન પર સુરક્ષા વધારી છે. જમ્મુ રેલ્વે સ્ટેશન ઉપરાંત કટરા રેલવે સ્ટેશન, ટનલ અને રેલવે પુલની સુરક્ષામા પણ વધારો કરવામાં આવ્યો છે. અમરનાથ બાબાનાં દર્શન માટે જઈ રહેલાં શ્રદ્ધાળુઓએ કહ્યુ હતુકે, તેઓને કોઈ ખતરાનો ડર નથી.
તેમને ભગવાન શિવ અને સેના પર પુરો ભરોસો છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીનાં દર્શન કર્યા બાદ પોતાના બે દિવસનાં જમ્મૂ કાશ્મીરની મુલાકાત શરૂ કરી હતી.
અને સુરક્ષાની સ્થિતીઓ વિશે જાણકારી મેળવી હતી. અમરનાથ યાત્રાનાં પહેલાં જથ્થામાં 1051 શ્રદ્ધાળુઓ ભગવાન શિવનાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે.