નવલખી ગ્રાઉન્ડમાં હવેથી ફૂલેકાબાજો અને ધંધાદારીઓ ગરબા મહોત્સવ યોજી શકશે નહીં. ચાલુ વર્ષથી શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે જાતે જ નવલખી ગ્રાઉન્ડમાં ગરબા મહોત્સવનું આયોજન કરવાનું નક્કી કર્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નવલખી ગ્રાઉન્ડમાં હવેથી ફૂલેકાબાજો અને ધંધાદારીઓ ગરબા મહોત્સવ યોજી શકશે નહીં. કારણકે, આ વર્ષથી શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે જાતે જ નવલખી ગ્રાઉન્ડમાં ગરબા મહોત્સવનું આયોજન કરવાનું નક્કી કર્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, વડોદરાની નવરાત્રિની વિશ્વભરમા આગવી ઓળખ છે. જોકે, માતાજીની આરાધનાના પર્વને નામ અને દામ કમાવવાનું સાધન બનાવનારાઓ પણ વડોદરામાં ઠેકઠેકાણે ફૂટી નિકળ્યા છે એ વાત પણ સત્ય છે.

વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ હોય, કલાનગરી ગરબા મહોત્સવ હોય… નવલખી ગ્રાઉન્ડમાં આયોજિત ગરબા મહોત્સવ હંમેશા વિવાદીત રહ્યો હતો. નવલખી ગ્રાઉન્ડ ભાડે મેળવીને ગરબાનું ધંધાદારી આયોજકો દ્વારા ગરબા યોજવામાં આવતાં હતાં. ખાસ કરીને ફૂલેકાબાજ અમિત ભટનાગરની આગેવાનીમાં અને એક વિવાદાસ્પદ મંત્રીની મહેરબાનીથી જંગી સરકારી ભંડોળ મેળવીને વડફેસ્ટની જેમ જ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હતું.

બેંકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના ખેલમાં જેલવાસ ભોગવી રહેલા અમિત ભટનાગરની ગેરહાજરીમાં ગત વર્ષે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ માટે નવલખી મેદાન મળ્યું નહોતું. તેથી વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલની નવી કમિટીએ આ ગરબાને જૂના પાદરા રોડ ખાતે યોજ્યા હતાં.

આમ તો ગત વર્ષે અકોટાના ધારાસભ્ય સીમા મોહીલેની આગેવાનીમાં શરૂ કરાયેલા કલાનગરી કલ્ચરલ ફાઉન્ડેશનના કારણે જ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ માટે નવલખી ગ્રાઉન્ડ આપવામાં આવ્યું નહોતું અને નવલખી ગ્રાઉન્ડ ખાતે કલાનગરી ગરબા મહોત્સવ યોજાયો હતો. જેમાં ભાજપની રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સાથે ઘરોબો ધરાવતાં હોવાની છાપ ધરાવતા અને પોતાને અમદાવાદના ઇવેન્ટ મેનેજમેન્ટ કિંગ ગણાવતા કિરણ પટેલને ગરબાનું આયોજન સોંપાયું હતું. જોકે, આ ગરબા પણ ભારે વિવાદોમાં રહ્યા હતાં. કલાનગરી ગરબા મહોત્સવમાં જંગી ખોટ ગઈ હોવાનું ભાજપના વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે.

શ્રીમંત મહારાજા સમરજિતસિંહ ગાયકવાડે આ વર્ષે નવરાત્રિ મહોત્સવના આયોજન માટે નવલખી ગ્રાઉન્ડ કોઈ વિવાદાસ્પદ અને માતાજીની ભક્તિના પર્વને ધિકતી કમાણી કરવાનો ધંધો બનાવનારા લેભાગુ તત્વોને ભાડે આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હોવાની વિગતો પ્રાપ્ત થાય છે. આ સાથે રાજવી પરિવાર દ્વારા જ નવલખી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરાશે. મહારાજા સમરજિતસિંહ ગાયકવાડની સીધી દેખરેખ હેઠળ આ વર્ષે નવલખી ગ્રાઉન્ડ પર ગરબા યોજાશે. આ અંગે મુંબઈની એક જાણીતી ઇવેન્ટ કંપનીને કામગીરી પણ સોંપી દેવામાં આવી છે. તેમજ ગત વર્ષે કલાનગરી ગરબા મહોત્સવના ચાર લીડ સિંગર પૈકીના એક સચીન લીમયે રાજવી પરિવારના ગરબા ઉત્સવમાં રમઝટ જમાવશે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )