Paytm, Bhim અને Google Pay નથી સુરક્ષિત, અનેક લોકોના અકાઉન્ટ થયા ખાલી
અત્યાર સુધી સૌથી વધારે ઉપયોગ થતી અને સુરક્ષિત ગણાતી પેટીએમ, ભીમ અને ગુગલ પે જેવી એપ્લીકેશન પણ યૂઝર્સ માટે હવે સુરક્ષિત રહી નથી. ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં આ એપ સાથે સંબંધીત છેતરપિંડીના કેસ નોંધાયા છે. સાઈબર સેલમાં છેલ્લા 5 મહિનાઓમાં આ પ્રકારના 12થી વધારે કેસ નોંધાયા છે. આ ઘટનાઓમાં લોકોના લાખો રૂપિયા સાફ થઈ ચુક્યા છે.
સાઈબર ક્રાઈમના અધિકારીઓના જણાવ્યાનુસાર છેતરપિંડી કરનાર વ્યક્તિ સૌથી પહેલા યૂઝરના મોબાઈલમાં તેની એપ ડાઉનલોડ કરાવે છે. આ એપના માધ્યમથી તેના અકાઉન્ટને ફોન સાથે લિંક કરી દે છે અને સ્ટેપ બાય સ્ટેપ પેમેંટની પ્રોસેસ કરી લે છે. આ કામ એટલું ચાલાકીથી થાય છે કે UPI આઈડીને પેકેજ કૂપન તરીકે દર્શાવી ઠગ લોકો યૂઝર્સના ફોનમાં સેવ કરાવે છે અને ત્યારબાદ પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે. યૂઝર તેના પર વિશ્વાસ કરી પૈસા ટ્રાંસફર કરી પણ દેતા હોય છે.
આ પ્રકારની એક ઘટનામાં તપાસ કરતાં જાણવા મળ્યું કે યૂઝરના પૈસા ઝારખંડમાં ટ્રાંસફર થયા છે. જ્યારે તે અકાઉન્ટની જાણકારી ચકાસવામાં આવી તો તે અકાઉન્ટ નકલી નીકળ્યું અને પૈસા પણ તેમાંથી ઉપાડી લેવામાં આવ્યા હતા.
અધિકારીઓના જણાવ્યાનુસાર નાના નાના ગામમાં લોકો આ પ્રકારની ઘટનાઓના શિકાર વધારે થઈ રહ્યા છે. આવા કિસ્સામાં બેન્ક પણ ગ્રાહકોની મદદ કરી શકતી નથી. હાલ તો યુપી પોલીસએ તપાસના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ રીતે છેતરપિંડી કરી એક ગ્રુપએ લખનઉની એક મહિલા પ્રોફેસરના 1 કરોડ રૂપિયા ખાતામાંથી ગાયબ કરી દીધા હતા.