આ 6 જિલ્લાઓને 5 વર્ષમાં ડીઝલ ફ્રી કરી દેવાશે, એક ટીંપુ પણ નહીં મળે
સમગ્ર દેશમાં પ્રદૂષણ અને ડીઝલના વપરાશ અંગે સરકાર રોજ નવા નિયમો અમલમાં મૂકી રહી છે તેવા સંજોગોમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે તેમણે મહારાષ્ટ્રના પસંદ કરેલા 6 જિલ્લાઓને પાંચ વર્ષ સુધી ડિઝલ મુક્ત કરવા માટે પહેલ કરી છે. ગડકરીનાં જણાવ્યાં અનુસાર તેઓએ 6 જિલ્લાઓ – નાગપુર, ભંડાર, ગોંડિયા, ચંદ્રપુર, ગડચિરોલી અને વર્ધાને ડીઝલ ફ્રી બનાવવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે.
આ અંગે CII નેશનલ કાઉન્સિલની બેઠકમાં બોલતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ જિલ્લાઓમાં પાંચ વર્ષ સુધી ડીઝલનું એક ટીંપુ પણ નહીં મળે. તેઓએ કહ્યું હતું કે આ થોડું મુશ્કેલ કામ છે. પરંતુ મેં 6 ફેકટરીઓ સ્થાપી છે જ્યાં ટ્રકો અને બસો માટે બાયો CNG બનાવવામાં આવશે. હાલ 50 બસો ચાલી રહી છે.
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની સાથે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનો હવાલો સંભાળતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ભંડોળના વૈકલ્પિક સ્ત્રોતોની શોધ કરવી જોઈએ.તેઓએ કહ્યું હતું કે આપણે બેંકો સિવાય પણ નાણાંકીય ધિરાણ માટે વૈકલ્પિક સ્ત્રોતની તપાસ કરવી જોઈએ। તેઓએ આગળ જણાવ્યું હતું કે પાછલાં 5 વર્ષમાં પરિવહન ક્ષેત્રમાં લગભગ રૂ.17 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે MSME ક્ષેત્રમાં દેશની પ્રગતિ માટે વિકાસ અને ક્ષમતાની મોટી સંભાવનાઓ છે. તેઓએ આ દિશામાં ખાનગી ક્ષેત્રનું સમર્થન પણ માંગ્યું છે. ગડકરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર કોઈપણ ઉદ્યોગને બંધ કરવાની યોજના નથી બનાવી રહી પરંતુ રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવો જોઈએ.