રાજ્યમાં ડિઝીટલ સ્ટેમ્પીંગના ઉપયોગ માટે નિર્ણય લેતી રાજ્ય સરકાર
નાગરિકોને નોન જ્યુડીશ્યલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરમાં પડતી મુશ્કેલીઓથી મળશે મુક્તિ : મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલ
▪તા.1લી ઓક્ટોબર 2019થી રાજ્યભરમાં નોન જ્યુડીશ્યલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ થશે; નાગરિકોએ ડિઝીટલ સ્ટેમ્પીંગ સુવિધાનો ઉપયોગ કરવાનો રહેશે.
▪લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, કોમન સર્વિસ સેન્ટર અને નોટરીની કચેરીમાં ઈ-સ્ટેમ્પની સુવિધા શરૂ કરાશે.
▪ નાગરિકોને દસ્તાવેજ પ્રક્રિયા વધુ સુરક્ષિત, સરળ અને ઝડપી બનશે.
*********
મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચાતા પરંપરાગત સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત ઉભી કરી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કિંમત વસુલ કરી નાગરીકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆતોને ધ્યાને લઈ થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે ડિઝીટલ સ્ટેમ્પીંગની સુવિધાનો વ્યાપ વધારવા મહત્વનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને આગળ ધપાવતા રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કરી 1લી ઓક્ટોબર 2019થી રાજ્યભરમાં નોન જ્યુડીશ્યલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરના ઉપયોગને બંધ કરી ફક્ત ડિઝીટલ સ્ટેમ્પીંગની પધ્ધતિને અનુસરવા મહત્વનો નિર્ણય કર્યો છે.
મહેસૂલ મંત્રીશ્રીએ ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નાગરીકોને પુરી પાડવામાં આવતી સેવાઓનો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તે માટે દેશભરમાં ડીજીટલ ઈન્ડિયાનું નવતર અભિગમ દાખવ્યો છે ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓને વધુ સરળ બનાવવા અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે ત્યારે આ નિર્ણય પણ નાગરિકો માટે મહત્તવનો પુરવાર થશે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, નાગરિકોને 1લી ઓક્ટોબર 2019થી ફીઝીકલ સ્ટેમ્પ સેવા બંધ થતા સ્ટેમ્પ મેળવવામાં કે સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણીમાં કોઇ તકલીફ ના પડે તે માટે ઇ-સ્ટેમ્પીંગની સુવિધાથી હવેથી શીડયુલ બેંકો, કેંદ્ર અને રાજય સરકારના નિયંત્રણ હેઠળની નાણાંકીય સંસ્થાઓ કે એકમો, પોસ્ટ ઓફિસ ઉપરાંત લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટર્ડ એકાઉટન્ટ, કંપની સેક્રેટરી, બંદર/પોર્ટ ખાતેના સી & એફ એજન્ટ, ઇ-ગવર્નસ પ્લાન હેઠળ કાર્યરત કોમન સવિર્સ સેન્ટર,RBI રજીસ્ટર્ડ નોન બેંકીગ ફાઇનાન્સીયલ કંપનીઅને લાયસન્સી નોટરી પૈકી જે વ્યકિતઓ/સંસ્થાઓ જે તે જિલ્લાની સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનની કચેરી ખાતે રજીસ્ટ્રેશન માટે અરજી કરી શકશે.
સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ દ્વારા આ વ્યકિતઓ/સંસ્થાઓને ઈ-સ્ટેમ્પીંગના ACC (ઓથોરાઈઝ્ડ કલેકશન સેન્ટર) તરીકેની નિમણૂંકની પરવાનગી આપ્યા બાદ આ સેન્ટરો ડિઝીટલ ઈ-સ્ટેમ્પીંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકશે.
ડિઝીટલ સ્ટેમ્પીંગના ફાયદા જણાવતા મંત્રીશ્રી પટેલે ઉમેર્યુ કે, નાગરિકોને જ્યારે સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરવાની હોય ત્યારે ડિઝીટલ સ્ટેમ્પીંગના ઓથોરાઈઝડ કેન્દ્રો ઉપરથી જરૂરી રકમની સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરીને જરૂરી રકમનું ડિઝીટલ સ્ટેમ્પ સર્ટીફીકેટ મેળવી શકશે. જેમાં પક્ષકારોના નામ ઉપરાંત દસ્તાવેજની વિગત તથા દસ્તાવેજની રકમ જેવી વિગતો પણ દર્શાવવામાં આવશે. ડિઝીટલ સ્ટેમ્પ સર્ટીફીકેટ ધારણ કરનાર વ્યક્તિ દ્વારા સર્ટીફીકેટની ઓન લાઈન તેમજ મોબાઈલ એપ્લીકેશન દ્વારા પણ ખરાઈ કરી શકાશે. જેથી, સ્ટેમ્પ સર્ટીફીકેટની છેતરપીંડી કે ડુપ્લીકેશનનો કોઈ અવકાશ રહેશે નહીં.
શ્રી પટેલે ઉમેર્યુ કે, ડિઝીટલ સ્ટેમ્પીંગ પધ્ધતિ અમલમાં આવવાથી આ પધ્ધતિ હેઠળ સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરતા એક યુનિક સર્ટીફીકેટ નંબર જનરેટ થશે જેની ખરાઈ દસ્તાવેજ નોંધણી સમયે સબરજીસ્ટ્રાર કચેરી દ્વારા કરવામાં આવશે. જેથી, દસ્તાવેજની નોંધણી પણ સુરક્ષીત બનશે. આ ઉપરાંત, આ રેકર્ડની ઉપલબ્ધિ ઓન લાઈન હોવાથી તે કોઈ પણ સમયે ચકાસી શકાશે, તેનો પુરાવો પણ મેળવી શકાશે. વધુમાં, ડિઝીટલ સ્ટેમ્પીંગ પધ્ધતિમાં ફિઝીકલ સ્ટેમ્પીંગ પધ્ધતિની જેમ એડવાન્સમાં કોરા સ્ટેમ્પ પેપર ખરીદવાની જરૂરીયાતમાંથી મુક્તિ મળતા નાગરિકોને રીફંડના પ્રશ્નો પણ ઉદભવશે નહીં. ઉપરાંત, જરૂરીયાત મુજબ કોઈપણ રકમની સ્ટેમ્પ ડ્યૂટી ચુકવવાની સુવિધા મળશે.
સરકારની ઈ-પેમેન્ટ સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ થશે જેની વિગતો આપતા મહેસૂલ મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, નાગરિકોને સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરવા રોકડ ઉપરાંત, RTGS, નેટ બેકીંગ, ઓન લાઈન પેમેન્ટ જેવા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ થશે. આ સેવાનો વ્યાપ વધતા તથા ઓનલાઈન સેવાઓ હોવાથી નાગરિકોને જ્યારે પણ સ્ટેમ્પ ડ્યૂટી ભરવી હશે ત્યારે સરળતાથી નજીકના ડિઝીટલ સ્ટેમ્પીંગના ઓથોરાઈઝડ વેન્ડર પાસેથી અથવા તો બેંકો પાસેથી સેવા ઉપલબ્ધ થશે. રાજ્યમાં બહોળા પ્રમાણમાં ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રો શરૂ થવાથી નાગરિકો તેમની નજીકના સ્થળે, કોઇપણ સમયે સ્ટેમ્પ ડ્યુટી ભરી તેનું સ્ટેમ્પ પેપર જેવું પ્રમાણપત્ર મેળવી પોતાના લેખ સાથે જોડીને લેખની નોંઘણી કરાવી શકશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
********