વડાપ્રધાનનું “ કલીન ઇન્ડીયા- ગ્રીન ઇન્ડીયા ” નું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં : કટિબધ્ધ થવા શ્રી શર્માનુ આહ્વવાહન : ઓવરઓલ ટોપરમાં ગોલ્ડ મેડલ ઉપરાંત અન્ય ચાર વિષયોમાં સિલ્વર મેડલ સહિત એક સાથે પાંચ-પાંચ મેડલ વિજેતા છત્તીસગઢના આશુતોષ માંડવાનું મહાનુભવોના હસ્તે કરાયું વિશેષ સન્માન
રાજપીપલાની ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજના ૨૦૧૮-૧૯ ની બેચના તાલીમી આર.એફ.ઓ.ની આજે સરદાર ટાઉન હોલ ખાતે ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને વન વિભાગના વડા ડૅા. ડી.કે.શર્મા, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકસંજીવ ત્યાગી, દેહરાદુન ખાતેના ફોરેસ્ટ એજયુકેશનના ડાયરેકટર આર.પી.સિંઘ, રાજપીપલા કોલેજના આચાર્ય ડૅા. કે.રમેશ, ગુજરાત રાજય વન વિકાસ નિગમના જોઇન્ટ મેનેજીંગ ડીરેકટર આર.કે.સુગુર, વન સંરક્ષક ડૅા.કે.શશીકુમાર ઉપરાંત વન વિભાગના અન્ય અધિકારીઓ, તાલીમી આર.એફ.ઓ. અને તેમના પરિવારજનોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલી પાસીંગ આઉટ સેરેમનીને દિપ પ્રાગટય દ્વારા ખુલ્લી મૂકાઇ હતી.
તાલીમ પૂર્ણ કર્યા બાદ પોતાના વિસ્તારમાં ક્ષેત્રીય ફરજ માટે વિદાય લઇ રહેલા તાલીમાર્થી આર.એફ.ઓ.ને મુખ્ય મહેમાનપદેથી સંબોધન કરતા ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૅા. ડી.કે.શર્માએ જણાવ્યું હતું કે, અહીં રાજપીપલા ખાતેની કોલેજમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને છત્તીસગઢ જેવા રાજયોના ૩૪ જેટલાં આર.એફ.ઓ. ને વન અને પર્યાવરણના રક્ષણ-જતન અને તેના સંવર્ધન તેમજ વાઇલ્ડ-લાઇફના સંરક્ષણને લગતી શ્રેષ્ઠ તાલીમ પૂરી પાડવામાં આવી છે, ત્યારે આ તાલીમ તેમની ક્ષેત્રીય કામગીરી અને પ્રજાકીય સેવાઓમાં ખૂબ જ ઉપયોગી બનવાની સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડતરમાં પણ વિશેષ સહાયરૂપ બની રહેશે, તેવો આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો.
“ નેચર ઇઝ ધ બેસ્ટ ટીચર ” તરીકેનો ઉલ્લેખ કરી અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૅા. શર્માએ વધુમાં ઉમેર્યુ હતુ કે, વન વિભાગ એ પ્રકૃતિ અને માતૃભૂમિ સાથે જોડાયેલો વિભાગ છે. તેમણે કહયું હતુ કે, પ્રકૃત્તિ, સંજોગો અને કાર્ય વિસ્તારની ફરજોમાં અવરોધરૂપ બનતાં પડકારો આપણને ઘણું બધુ શિખવી જતું હોય છે, ત્યારે લોકોના હકારાત્મક સહકાર થકી પ્રજાકીય વિકાસ કામો વધુ ટકાઉ અને સક્ષમ બને તે દિશામાં ઘનિષ્ઠ પ્રયાસો આદરવાની તેમણે ખાસ હિમાયત કરી હતી.
અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૅા. ડી. કે. શર્માએ વધુમાં વન અને પર્યાવરણની સુરક્ષા માટેના પડકારો સામે ઝઝુમીને વડાપ્રધાનનું “ કલીન ઇન્ડીયા- ગ્રીન ઇન્ડીયા ” નું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં કટિબધ્ધ થવાનું આહ્ વાન કરતાં ઉમેર્યું હતું કે, શિસ્તપાલન, ફરજનિષ્ઠા અને નિત નવાં આયામો થકી તાલીમાર્થી આર.એફ.ઓ.ને વધુ પ્રોફેશનલ બનવાની સાથે ગરિમાપૂર્ણ ગણવેશ-ચંદ્રક અને સત્તાધીશ તરીકેની સત્તાઓનો જાહેર અને પ્રજાના વિશાળ હિતમાં તેનો સમુચિત ઉપયોગ કરવાની સાથે પદનું ગૌરવ જળવાઇ રહે અને તે વધુ ગરિમામય બની રહે તે માટે સંકલ્પબધ્ધ થવાનો ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે ફોરેસ્ટ્રી, વાઇલ્ડ-વાઇફ, ફોરેસ્ટ, એન્જીનિયરીંગ, ઇકોલોજી વગેરે જેવાં ક્ષેત્રોમાં નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિપૂણતા કેળવીને પોતાના કાર્ય વિસ્તારમાં પેશન સાથેની કામગીરીના શ્રેષ્ઠ સોપાનો સર કરવાં તેમજ રિફોર્મ-પરફોર્મ અને ટ્રાન્સફોર્મ જેવાં ગુડ ગર્વનન્સનાં પાયાના આધારસ્તંભો થકી જીવનમાં ઝળહળતી સફળતા હાંસલ કરવાની હિમાયત કરી હતી.
આ પ્રસંગે દહેરાદૂન ખોતના ફોરેસ્ટ એજયુકેશનના ડાયરેકટર આર.પી. સિંઘ, ગુજરાતના અધિક અગ્ર મુખ્ય વનસંરક્ષક ડૅા. સંજીવ ત્યાગી, કોલેજના આચાર્ય ડૅા. કે.રમેશ વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૅા. કે.રમેશે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી અભ્યાસ અહેવાલ રજૂ કર્યો હતો. જયારે તાલીમાર્થી અવિનાશે તેમની તાલીમ દરમિયાનનો પ્રતિભાવ વ્યકત કર્યો હતો. ડૅા. કે.રમેશે આ સમારોહમાં તાલીમાર્થીઓને સામૂહિક શપથ લેવડાવ્યા હતા. ડૅા. ડી.કે.શર્મા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને તાલીમ અંગેના પ્રમાણપત્રો એનાયત કરી તેમનું બહુમાન કરાયું હતું. ૩૪ તાલીમાર્થીઓમાંથી ૧૬ તાલીમાર્થીઓને ઓનર્સ એવોર્ડ અને ૧૭ તાલીમાર્થીઓને પાસ પ્રમાણપત્ર-એવોર્ડ એનાયત કરાયા હતા.
આ સમારોહમાં છત્તીસગઢના બિલાસપુરના તાલીમાર્થીશ્રી આશુતોષ કુમાર માંડવાએ ઓવરઓલ ટોપરમાં ગોલ્ડ મેડલ તેમજ ફોરેસ્ટ્રી, ઇકોલોજી, ફોરેસ્ટ સર્વે એન્ડ એન્જીનિયરીંગ અને રેન્જ એડમિનિસ્ટ્રેશન સહિતના અન્ય ચાર વિભાગોમાં પણ સિલ્વર મેડલ મેળવ્યા હતા. એક સાથે પાંચ-પાંચ મેડલ મેળવનાર આશુતોષ માંડાવાનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિશેષ અભિવાદન કરી પ્રોત્સાહિત કરાયાં હતા. આશુતોષ માંડવાએ તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, રો-મટીરીયલ્સના રૂપમાં અહિં આવેલા અમે તાલીમાર્થીઓ આજે ઓફિસર્સનાં રૂપમાં જઇ રહ્યાં છે ત્યારે, તાલીમ દરમિયાનના અભ્યાસ પ્રવાસ સહિત શીખવા મળેલી ઘણી બધી બાબતોની સ્મૃતિ મારા જીવનમાં હંમેશ માટે યાદગારરૂપ બની છે.
આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે ડૉ. ડી.કે.શર્મા સહિતના મહાનુભાવોના હસ્તે સ્મૃતિગ્રંથનું પણ વિમોચન કરાયું હતું.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા