હોકીના મહાન રમતવીર મેજર ધ્યાનચંદના જન્મદિવસ ૨૯મી ઓગસ્ટની રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે દેશભરમાં થનારી ઉજવણી
સ્વાસ્થ્ય પ્રત્યે જનજાગૃતિ હેતુ વડાપ્રધાનશ્રી દ્વારા ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ કાર્યક્રમનું લોન્ચિંગ
સમગ્ર પંચમહાલ જિલ્લામાં વિવિધ રમતો યોજાશે
હોકીની રમતમાં ત્રણ-ત્રણ વખત ઓલિમ્પિકમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર મેજર ધ્યાનચંદના જન્મદિવસ, ૨૯મી ઓગસ્ટની દેશભરમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવણી થનાર છે. આ દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વાસ્થ્ય પ્રત્યે જનજાગૃતિ હેતુ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ કાર્યક્રમનું લોન્ચિંગ કરશે, જે અંતર્ગત સમગ્ર પંચમહાલ જિલ્લામાં તા. ૨૯/૦૮/૨૦૧૯ના રોજ વિવિધ રમતો યોજાવાની છે.
જિલ્લામાં, જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષા સહિત વિવિધ શાળા, કોલેજો ખાતે એથ્લેટીક્સ અને ફિટનેસ રમતો સવારના ૮ થી ૧૦ દરમિયાન યોજાશે. તેમજ વડાપ્રધાનશ્રી દ્વારા ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ કાર્યક્રમના લોન્ચિંગનું અને ફિટનેસ પ્રતિજ્ઞાનું જિવંત પ્રસારણ ડીડી-૧ (દૂરદર્શન) ઉપરથી સવારે ૧૦/૦૦ કલાકે કરાશે, જેનું નિદર્શન પણ રાખવામાં આવ્યું છે.
આ અંગે જિલ્લા વહીવટતંત્ર દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ જિલ્લાના સૌ નાગરિકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા કેળવી વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા જાહેર વિનંતિ કરવામાં આવી છે.