ગુજરાતના શિક્ષકો ભણાવે કે સાયકલો શોધે? છેલ્લા 10 વર્ષમાં સાયકલો શોધવા સરકારે કર્યો આદેશ
રાજ્યની સ્કૂલમાં ધોરણ-૯માં અભ્યાસ કરતી એસસી અને એસટીની વિર્દ્યાર્થિનીઓને સરસ્વતિ સાધના યોજના હેઠળ છેલ્લા દસ વર્ષમાં આપવામાં આવેલી સાઈકલોની વિગતો આપવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે અને તેની જવાબદારી શિક્ષકોના માથે થોપતાં વિવાદ વકર્યો છે. શિક્ષકોને હવે સાઈકલો શોધવા જવું પડે તેવી નોબત આવી છે. જેને લઈ આચાર્ય સંઘે સરકાર સામે બાંયો ચઢાવી છે.
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ સરસ્વતિ સાધના યોજના હેઠળ શાળામાં અભ્યાસ કરતી વિર્દ્યાર્થિનીઓને આપવામાં આવેલી સાઈકલો વિશેની માહિતી માંગી છે. જેમાં છેલ્લાં ૧૦ વર્ષમાં આપવામાં આવેલી સાઈકલો કયારે આપી, કયારે વિતરણ કરાઇ અને હાલની સ્થિતિ શું છે તેની માહિતી એકઠી કરવાનો હુક્મ કર્યો છે.
જેના પગલે રાજયના સમાજ કલ્યાણ અધિકારીની સૂચનાના પગલે રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓએ તાબાની તમામ શાળાના આચાર્યોને પત્ર લખી માહિતી એકઠી કરવા સૂચના આપી છે. જેનાથી આચાર્યોમાં રોષ ફેલાયો છે. તેમાંય ગુજરાત રાજય આચાર્ય સંઘના મહામંત્રીએ રાજયના દરેક ઘટક સંઘો અને દરેક આચાર્યોને પોતાના લેટરહેડમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીઓને પત્ર લખવા જણાવ્યું છે.
આચાર્ય સંઘે પત્ર લખ્યો છે તેમાં જણાવાયું છે કે, ધો.૯માં અભ્યાસ કરતી કન્યાઓને સાઈકલ વિતરણ બાબતની વિગતો શાળાઓ તરફથી શૈક્ષણિક વર્ષની શરુઆતમાં મોકલવાની કાર્યવાહી શાળાઓ કરે છે. જે કચેરીમાં ઉપલબ્ધ છે. તેમ છતાં દસ વર્ષે માહિતી શાળાઓ પાસે મંગાવીને શિક્ષકોને શૈક્ષણિક કાર્યથી અળગા કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
સાઈકલની માહિતી મેળવવા માટે શિક્ષકોને ગામે-ગામ મોકલવામાં આવે તો શૈક્ષણિક કાર્યને અસર થઈ શકે તેમ છે.આ બાબતના સમાજ કલ્યાણ વિભાગને આદેશો જારી કરવા કહ્યું છે