કાંકરિયાની ડિસ્કવરી રાઇડ્સ મામલે મોટો ઘટસ્ફોટ, ‘સર્ટિફિકેટ આપનાર પાસે ડિગ્રી જ નથી’
કાંકરિયા એડ્વેન્ચર પાર્કમાં રવિવારે બે વ્યક્તિનો જીવ લેનાર અને ૨૯ને ઈજાઓ પહોંચાડનાર ડિસ્કવરી રાઈડ દુર્ઘટના પાછળ અકસ્માત નહીં પરંતુ ભ્રષ્ટાચારના મદમાં રાચતાં સત્તાવાળાઓ માટે માનવ જીવનની કિંમત કોડીની હોવાની અમાનવીય માનસિકતા જવાબદાર હોવાનો ઘટસ્ફોટ થયો છે.
મળેલી માહિતી મુજબ, એડ્વેન્ચર પાર્કમાં મૂળ તો વિવિધ પ્રકારની ૨૪ રાઈડ ચલાવવાની મંજૂરી આપતું સંયુક્ત લાયસન્સ અપાયેલું. પરંતુ પાછળથી રાઈડના સંચાલકો અને લાયસન્સ માટે સંબંધિત દરેક વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ ડિસ્કવરી રાઈડના સાવ ઉપજાવી કાઢેલું લાયસન્સ ઘુસાડી અહીં ૨૫ રાઈડને મંજુરીનો સિન ઉભો કરી દેવાયો.
એટલું જ નહીં, રાઈડના સંચાલક ઘનશ્યામ પટેલના જ સગા યશ ઉર્ફે લાલો પટેલ કોઈ જ એન્જિનિયરીંગની ડિગ્રી ધરાવતો ન હોવા છતાં બારોબાર તેની સહી સાથેનું બોગસ લાયસન્સ ર્સિટફિકેટ ૨૫ રાઈડના દસ્તાવેજોમાં જોડી દેવામાં આવ્યું હોવાનો ય ઘટસ્ફોટ થયો છે.
આ અંગે કોર્પોરેશનના જવાબદાર અધિકારી આર.કે.સાહુ દ્વારા પણ કોઈ જાતની ચકાસણી કરવામાં આવતી નહોતી. કાંકરિયા એડવેન્ચર પાર્કમાં પોલીસે આપેલા લાયસન્સમાં ૨૫મી ડીસ્કવરી રાઈડને વગર મંજૂરીએ સામેલ કરી દેવાઈ હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસના લાયસન્સ વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા.
છ આરોપીઓ વધુ બે દિવસના રિમાન્ડ ઉપર :- ડિસ્કવરી રાઈડ તૂટી પડવાના પ્રકરણમાં પકડાયેલા છ જણાને મેટ્રો.કોર્ટે ગુરુવારે વધુ બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. કાંકરિયા રાઈડ કાંડની ગંભીર ઘટનામાં પ્રાઈવેટ કોન્ટ્રાકટ કંપનીના એમડી ઘનશ્યામ પટેલ, સંચાલક ભાવેશ પટેલ, મેનેજેર તુષાર ચોકસી, ઓપરેટર યશ ઉર્ફે લાલો પટેલ, હેલ્પર મનીષ વાધેલા અને ઓપરેટર કિશન મહાંતીને પોલીસે કોર્ટમાં રજૂ કરીને વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી