છોટાઉદેપુર સાંસદની સંસદીય વિસ્તારને નેશનલ હાઈવે સાથે જોડવા માંગ…..
હાલ દિલ્હી લોકસભા ખાતે સંસદનું સત્ર ચાલી રહ્યું છે.જેમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી માંથી પ્રથમ આદિવાસી મહિલા સાંસદ ગીતાબેન રાઠવાએ પોતાના સંસદીય વિસ્તારને નેશનલ હાઇવે નંબર 8 સાથે જોડવાની માંગ કરી છે.ગીતાબેન રાઠવાએ સંસદમાં જણાવ્યું હતું કે 2014 થી અત્યાર સુધીમાં ભારત સરકારે દેશના પહાડી,આદિવાસી, ગ્રામીણ અને રણવિસ્તારને મુખ્ય સડક સાથે જોડવાનું કામ ચાલી રહ્યું છે એ પૈકીના ઘણા કામો પૂર્ણતાને આરે છે.બીજું કે નેશનલ હાઇવે સાથે મુખ્ય સડક માર્ગને પ્રત્યેક ગામડાઓ સાથે જોડવાનું કામ પણ ચાલી રહ્યું છે.મારો લોકસભા સંસદીય મતવિસ્તાર છોટાઉદેપુર (ગુજરાત) આદિવાસી બહુલ વસ્તી ધરાવતો વિસ્તાર છે.એ વિસ્તારમાં પાવાગઢ સ્થિત કાળકા માતાજીનું પ્રસિદ્ધ મંદિર છે અને કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આવેલું છે,જેમાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવી રહ્યા છે.આ બન્ને મહત્વના પ્રવાસન સ્થળ છે તો છોટાઉદેપુર સંસદીય વિસ્તારને પણ નેશનલ હાઇવે નંબર 8 સાથે જોડવામાં આવે એવી અમારા વિસ્તારના લોકોની માંગ છે.
ગીતાબેન રાઠવાએ ક્યાં ક્યાં વિસ્તારને નેશનલ હાઇવે નંબર 8 સાથે જોડવાની માંગ કરી.
(1)અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 થી રાજપીપળા સુધી રોડ બની રહ્યો છે.એને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર થઈને તણખલા કંવાટ તથા મધ્યપ્રદેશના કુક્ષી નેશનલ હાઇવે સાથે જોડી દેવામાં આવે જે 200કિમિ થાય છે.
(2)નેશનલ હાઇવે નંબર 8 હાલોલથી પાવાગઢ,શિવરાજપુર,બોડેલી,છોટાઉદેપુર,મધ્યપ્રદેશના અલીરાજપુર સુધીના 200 કિમી વિસ્તારને નેશનલ હાઇવેમાં પરિવર્તિત કરવામાં આવે.
(3)વડોદરાથી પાદરા સુધી રોડ બની ચુક્યો છે,એમા પાદરાથી જંબુસર સુધી 35 કિમિ રોડને પહોળો કરવાનું બાકી રહેલું કામ વહેલાસર થાય એવું આયોજન કરવામાં આવે.આ રોડ પર કેટલાક ઉદ્યોગો ચાલી રહ્યા છે એટલે ત્યાં સ્થાનિકો અને વાહનોની અવરજવર વધુ છે.
ગીતાબેન રાઠવાની નેશનલ હાઈવેની માંગણીથી લોકોને શુ થશે ફાયદો?
છોટાઉદેપુર મહિલા સાંસદ ગીતાબેન રાઠવાએ પોતાના સંસદીય વિસ્તારને નેશનલ હાઇવે સાથે જોડવાની માંગ કરી છે.જો એ માંગ પુરી થાય તો આ વિસ્તારના લોકોનો બેડો પાર થઈ જશે.પહેલો ફાયદો એ થશે કે સારા રોડને લીધે એક વિસ્તાર માંથી બીજા વિસ્તારમાં જવાના સમયનો વેડફાટ નહિ થાય અને સ્થાનિકોને વેપાર ઉદ્યોગ માટે અન્ય રાજ્યોમાં જવામાં સાનુકૂળતા રહેશે.નેશનલ હાઇવેને લીધે મોટી મોટી હોટેલો અને પેટ્રોલ પમ્પો પણ બનવાની શક્યતાઓને જોતા ગરીબ લોકોને રોજગારીની મોટી તકો પણ ઉભી થશે.ખાસ કરીને ખરાબ રસ્તાઓને લઈને ગંભીર બીમારીથી અને અકસ્માતના બનાવોમાં સમયસર હોસ્પિટલ ન પહોંચવાને લીધે દર્દીનું મૃત્યુ પણ થતું હોય છે તો નેશનલ હાઈવેની માંગ પુરી થાય તો સારા રસ્તાને લીધે દર્દીઓ વાહનમાં સમયસર હોસ્પિટલ પહોચી શકશે