બોડેલી તાલુકાના સાગદ્રા ગામે ગત્ રાત્રિના સમયે આકસ્મિક આગ લાગતા એક સાથે ચાર મકાનો બળીને ખાખ થયા
બોડેલી તાલુકાના સાગદ્રા ગામે ગત્ રાત્રિના સમયે આકસ્મિક આગ લાગતા એક સાથે ચાર મકાનો ને આગે લપેટમાં લેતા એક જ કુટુંબના બે ભાઇઓ ના દિકરા મળી પાંચ પાંચ પરિવારો ની રોકડ રકમ, એક મોટર સાયકલ અને સોના ચાંદીના દર દાગીના સહિત ની ઘરવખરી બળીને ખાખ થઇ જતા લગભગ રૂપિયા બાવીસ લાખ જેટલું નુકસાન થયું હતું

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી તાલુકાના સાગદ્રા ગામે અનસીંગભાઇ અભાભાઇ રાઠવા અને દલસુખભાઇ અભાભાઇ રાઠવા એમ બે સગા ભાઈઓ તેમના ત્રણ દિકરાઓ સાથે સંયુક્ત કુટુંબમાં એક સાથે આવેલા ૧૨ ઓરડા વાળા ચાર મકાન મા રહી ખેતી કરી જીવન જીવી રહ્યા છે. ગત્ રાત્રિના ૧૦.૦૦ વાગે ઘર નાં બધા જ સભ્યો ભેંસો તેમજ અન્ય પશુઓ ને ઘર માં રાખી ઘરના બધા જ લોકો ઘર ની બહાર સુઇ ગયા હતા. ત્યારે રાત્રિના ૨.૦૦ વાગ્યા ના અરસામાં તેઓના ઘરમાં અચાનક કોક અગમ્ય કારણોસર આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લઇ ચારેય મકાનો ને આગે લપેટમાં લેતા ૧૨ ઓરડા ના ચારેય મકાનો મા રાખેલ સોનું ચાંદીના દાગીના, એક મોટર સાયકલ, અનાજ સાથે નો સરસામાન, ઘાસચારો, તેમજ તાજેતરમાં જ ખેતી માં પકવેલ કપાસ અને કઠોળ વેચતા આવેલ લગભગ પાંચેક લાખ જેટલી રોકડ રકમ મળી કુલ રૂ. ૨૨,૭૬,૦૦૦/- નું નુકસાન થયું હોવાનું આજે બનાવ ની જાણ થતાં પંચક્યાસ કરવા ગયેલ ગામના તલાટી કમ મંત્રીએ તેમના પંચક્યાસ મા નોંધ્યું હોવાનું જાણવા મળ્યું છે.


