વૃક્ષ પરિચય : ગુલમહોર(ફ્લેમબોયન્ટ ફ્લેમ)

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગુલ મહોર
જાણે ખુશી મોહર
પ્રભુ મહેર

ભારતમાં ગુલમહોર નામ પડ્યા વિશે એમ કહેવાય છે કે જેનો સિક્કો (મહોર) પડે તેવું ફૂલ (ગુલ) એટલે ગુલમહોર, બીજા મુદ્દા પ્રમાણે વૃક્ષ તેમ જ ફૂલ (હિન્દી-ઉર્દૂમાં ગુલ)નો દેખાવ લગભગ મોર જેવો છે એવું કહીને મહોર નહીં પણ મોર શબ્દ છે, એમ પ્રતિપાદિત કરવામાં આવે છે તેને કારણે ગુલમહોરને પીકોક ટ્રી કહેવાય છે.

એપ્રિલ મહિનો તેના છેડે પહોંચે અને મે મહિનાનો આરંભ થાય એટલે લીલાંછમ્મ પાંદડાં ધરાવતા ગુલમહોરના વૃક્ષ પર આંખે વળગે તેવા લાલ, સિન્દુરિયો, ભગવો કે પછી તદ્દન પીળો પણ તેજસ્વી રંગ ધરાવતાં ફૂલો પાંગરીને વૃક્ષને અને પરિસરને તાજગીથી ભરી દે છે.

તેની કોમ્પ્લિમેન્ટરી કલર સ્કીમ આ વૃક્ષને સૌથી વધુ આકર્ષક અને મનોહર બનાવે છે. ખાસ તો ચૈત્ર મહિનાથી જ ગુલમહોરનાં ફૂલો દેખાવા માંડે છે.

ભારતમાં ગુલમહોરના નામે જાણીતું આ મનોહર વૃક્ષ ખાસ્સું રુઆબદાર અને આનંદની ઊર્જા પ્રગટાવતું દેખાય છે માટે જ તેને અંગ્રેજીમાં ફ્લેમબોયન્ટ ફ્લેમ કહેવાય છે. તેને ફ્લેમબોયન્ટ ટ્રી કે ફ્લેમ ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રીઓ તેને રોયલ પોઇન્સિયાનાના નામે ઓળખે છે.

કવિઓ પણ ફૂલનો દેખાવ કળાયેલ મોર જેેવો હોવાનું કહે છે. એ જ તો છે અતિશયોક્તિ અલંકાર કામ લાગે? ભારતમાં તેને કૃષ્ણચૂરા જેવું બીજુંય એક નામ આપવામાં આવ્યું છે, બંગાળમાં તેને ભગવાન શ્રી કૃષ્ણનો મુગટ કહેવાય છે.
આ વૃક્ષમાં નાઈટ્રોજનનું પ્રમાણ સ્થિર રાખવાનો અને જમીનની ગુણવત્તામાં સુધારો કરવાનો ગુણ છે.

મૂળ મડાગાસ્કરનાં ઓછા વરસાદવાળાં જંગલોમાં જોવા મળતું આ વૃક્ષ ટ્રોપિકલ (ગરમ હવામાનની કે ઉષ્ણ કટિબંધની) પરિસ્થિતિમાં ગમે ત્યાં સહેલાઈથી ઊગી શકે છે.

ગાઢ જંગલોમાં કે ભારે વરસાદવાળા ભાગમાં તે જોવા મળતું નથી.

ગુલમહોરનું વૃક્ષ પાંચ મીટરથી બાર મીટરની ઊંચાઈ સુધી ફાલી શકે છે. જંગલવાસીઓ ગુલમહોરનાં ફૂલોને શણગાર માટે ઉપયોગમાં લે છે.

ફૂલો લગભગ આઠ સેન્ટિમીટરની ચાર પાંખડીનાં હોય છે અને તેની પાંચમી પાંખડી સીધી ટટ્ટાર ઊભી હોય છે તેને સ્ટાન્ડર્ડ કહેવાય છે અને તેમાં પીળો તથા સફેદ ડાઘ હોય છે.

કુદરતી રીતે ઊગી નીકળતા ફ્લાવિડા નામની જાતિનાં ગુલમહોર વૃક્ષો પર પીળાં રંગનાં ફૂલો આવે છે તે આપણે ત્યાં સરળતાથી જોવા મળે છે.

ગુલમહોરનાં વૃક્ષો-ફૂલોએ આપણા જીવનમાં અંતરંગ સ્થાન મેળવ્યું છે. ગાઢ રીતે ફાલેલાં આ વૃક્ષનો છાંયડો શીતળતા આપનારો છે.

કેરેબિયન ટાપુઓ અને આફ્રિકામાં ગુલમહોરનાં પુષ્પો પ્રચંડ પ્રમાણમાં જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં જોવા મળેલા ગુલમહોરના વૃક્ષને સિડનીમાં પણ સહેલાઈથી ઉગાડી શકાયું છે.

આ વૃક્ષો સ્થળ-કાળ પ્રમાણે જુદા જુદા સમયે ફૂલો આપે છે પણ સરેરાશ સમયગાળો એપ્રિલથી જૂન અને ક્યાંક તો જુલાઈ સુધીનો છે.

સાઉથ ફ્લોરિડા તેમ જ ઇજિપ્તમાં તેમ જ અન્યત્ર મે-જૂનનો સમય ફૂલોના આગમનનો છે. તો ભારત, પાકિસ્તાન અને બંગલાદેશમાં એપ્રિલથી જૂનનો સમય ગણાય છે.

જોકે ઝિમ્બાબ્વેમાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ગુલમહોરનાં ફૂલો આવે છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTગરમાળો એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું પીળાં ફૂલોવાળું એક વૃક્ષ છે, જે ઔષધિય ઉપયોગ માટે પણ જાણીતું છે.
OLDER POSTબ્રેકિંગ ન્યુઝ અમદાવાદ સ્થિત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)બંધ કરવામાં આવી…

COMMENTS

Wordpress (0)
Disqus (0 )