મોંઘવારીનો માર માં અંબાના મંદિર પર, અંબાજી મંદિરના પ્રસાદના ભાવમાં ૫૦% નો વધારો
રિતિક સરગરા………….મનમંચ ન્યૂઝ,અંબાજી
મોંઘવારીનો માર દેશની જનતાને તો નડી જ રહ્યો છે.પણ તેની સાથે સાથે ભગવાનના મંદિર પર પણ પડી રહ્યો છે. એક તરફ મંદિરમાં લાખો રૂપિયાનું દાન આવે છે અને બીજી તરફ વધતી જતી મોંઘવારીના કારણે મંદિર ટ્રસ્ટને પ્રસાદમાં આપવામાં ખોટ જતી હોવાથી તેઓ હવે માતાજીના પ્રસાદના ભાવમાં પણ વધારો કરી રહ્યા છે. પ્રસાદની કિંમતમાં ૧૦% કે ૨૦% નો નહી પણ સીધો ૫૦% નો વધારો કરી રહ્યા છે. પ્રસાદના ભાવમાં વધારો કરવાનો નિર્ણય ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.
એક રિપોર્ટ અનુસાર દૂર દૂરથી લોકો અંબાજીમાં બિરાજેલા માં અંબાના દર્શન કરવા માટે અંબાજી મંદિરે આવે છે. માતાજીના ધામમાં દર્શન કરવા આવેલા ભક્તો માતાજીના આશીર્વાદરૂપે મંદિરમાંથી ૧૦ રૂપિયા ભાવે આપવામાં આવતું ૮૦ ગ્રામના પ્રસાદનું પેકેટ લઈ જાય છે. પરંતુ વધતી મોંઘવારીમાં આ નાના એવા પ્રસાદના પેકેટના કારણે દર વર્ષે મંદિરને ચાર કરોડ કરતા વધારે નુકસાન થતું હતું. એટલે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદના નાના એવા ૮૦ ગ્રામના બોક્સના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી ૧ ડિસેમ્બરને રવિવારથી ૮૦ ગ્રામના પ્રસાદના નાના એવા પેકેટના ભાવમાં સીધો ૫૦% નો ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ૫૦% ભાવ વધારો થતાં ૧૦ રૂપિયાના પ્રસાદના પેકેટના હવે ભક્તોએ ૧૫ રૂપિયા ચૂકવવા પડશે
આ બાબતે મંદિર ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬-૧૭ ના પ્રસાદમાં મંદિરને ૪ કરોડ રૂપિયાનું વર્ષ ૨૦૧૭-૧૮ ના પ્રસાદમાં મંદિરને ૪.૪૨ કરોડનું અને વર્ષ ૨૦૧૮-૧૯ ના પ્રસાદમાં મંદિરને ૪.૪૩ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને આ વર્ષે પણ પ્રસાદમાં ભાવ ન વધારવામાં આવતો તો મંદિર ટ્રસ્ટને ૬ કરોડ રૂપિયાનું નુકસાન થાત. મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ બનાવતી એજન્સીને ૧૫.૦૭ રૂપિયા સાથે ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં એજન્સીને ૭ પૈસાનું નુકસાન સહન કરવું પડે. પ્રસાદના ભાવમાં વધારો કરવાથી આ વર્ષે જે ૬ કરોડ રૂપિયાનો નફો થશે તેનો ઉપયોગ અમે યાત્રિકોની સુખાકારી માટે કરીશું.