તા.૧૨ મી નવેમ્બર સુધી ભાદરવાદેવ ભાથીજી મંદિર ખાતે પરંપરાગત મેળાની થનારી ઉજવણી સંદર્ભે નર્મદા જિલ્લા પ્રસાશન ધ્વારા કરાયેલું સુચારૂં આયોજન
સંબંધિત વિભાગોને સોંપાયેલી ફરજો-જવાબદારીઓ સુપેરે નિભાવવા નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસનો અનુરોધ
મેળાની ઉજવણીના આયોજનના સુચારૂ સંચાલન માટે યોજાયેલી બેઠક
નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે આજે રાજપીપળા કલેકટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે તા. ૮ થી ૧૨ મી નવેમ્બર-૨૦૧૯ દરમિયાન તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે ભાદરવાદેવ ભાથીજી મંદિર ખાતે પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પરંપરાગત મેળાની થનારી ઉજવણીના સુચારૂ આયોજન અંગે યોજાયેલી બેઠકમાં શ્રી વ્યાસે સંબંધિત વિભાગોને સોંપાયેલી જે તે ફરજો અને જવાબદારી સુપેરે નિભાવવા ખાસ અનુરોધ કર્યો હતો.
નાંદોદ પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત, ગરૂડેશ્વરના પ્રાંત અધિકારીશ્રી દિપક બારીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી ગીતાજંલી દેવમણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડો. કે.પી.પટેલ, સિવીલ સર્જન ર્ડો. જયોતિબેન ગુપ્તા, મામલતદારશ્રી મિતેષ પટેલ, ટી.ડી.ઓ.શ્રી ડી.બી.ચાવડા, ચીફ ઓફિસરશ્રી અમિત પંડયા ઉપરાંત શિક્ષણ, પાણી પુરવઠા વગેરે જેવા સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉકત બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસે ભાદરવા દેવના આ મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક વ્યવસ્થા, દર્શનાર્થીઓ માટે પીવાના સ્વચ્છ પાણી, સ્ટોલ્સ ફાળવણી, સતત વીજ પુરવઠો, જાહેર સુખાકારી અને આરોગ્યને લગતી સુવિધાઓ ઉભી કરવા, વધારાની એસ.ટી.બસના રૂટની સુવિધા તેમજ એસ.ટી.બસો તેમજ ખાનગી વાહનો માટે પાર્કિગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા, અગ્નિશામક યંત્ર, ક્રેન વ્યવસ્થા, સેનીટેશનની વ્યવસ્થા, મેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ સ્વચ્છતા જાળવણી માટેની જરૂરી સફાઇ કામગીરીની વ્યવસ્થા, મેળાના સંચાલન માટે એકજીકયુટીવ મેજીસ્ટ્રેટની નિમણૂંક વગેરે જેવી બાબતો અંગે બાબતો અંગે ચર્ચા-વિચારણા કરાઇ હતી અને સંબંધિતોને વિશેષ કાળજી રાખી આ તમામ સુવિધાઓ સુનિશ્ચત કરી લેવા શ્રી વ્યાસે ખાસ ભાર મૂકયો હતો.
ભાદરવાદેવ ભાથીજી મંદિર ખાતે યોજાતા પરંપરાગત આ મેળામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર તથા અન્ય વિસ્તારના શ્રધ્ધાળુઓ-ભકતો દર્શનાર્થે વિશાળ સંખ્યામાં પધારતા હોઇ, શ્રધ્ધાળુઓને કોઇ પણ જાતની તકલીફ પડે નહિ અને ઉકત મેળા દરમિયાન જે તે સુવિધાઓનું સંચાલન સુચારૂ રીતે થાય તે માટે જિલ્લા પ્રસાશન તરફથી જરૂરી તમામ આયોજન સાથેની વ્યવસ્થાઓ હાથ ધરાઇ હોવાનું પણ શ્રી વ્યાસે ઉકત બેઠકમાં જણાવ્યું હતું.