રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે છોટાઉદેપુર ખાતે યોજાયો રન ફોર યુનિટી કાર્યક્રમ
છોટાઉદેપુર ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો તા. ૩૧મી, ઓકટોબર સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે અધિક નિવાસી કલેકટર કે.એસ.વસાવાની અધ્યક્ષતામાં રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો.
આઝાદી બાદ ૫૬૨ રજવાડામાં વિખેરાયેલા ભારત દેશને એક અને અખંડ રાષ્ટ્ર બનાવવામાં સરદાર પટેલે આપેલા યોગદાનને બિરદાવવા અને સરદાર પટેલના કાર્યોને આવનારીઓ પેઢીઓ પણ પિછાણે તથા યાદ રાખે એ માટે તા. ૩૧મી, ઓકટોબર સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષમાં સમગ્ર દેશમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પણ રન ફોર યુનિટી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના સમાહર્તા સુજલ મયાત્રાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રન ફોર યુનિટી કાર્યક્રમના પ્રારંભ અગાઉ છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ નેહાબેન જાયસ્વાલ, અધિક નિવાસી કલેકટર કે.એસ.વસાવા, જશુભાઇ રાઠવા સહિતના મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે છોટાઉદેપુર ખાતે એસ.એફ હાઇસ્કૂલથી રન ફોર યુનિટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે મહિલા પોલીસ સ્ટેશન થઇ લાયબ્રેરી રોડ, કસ્બા પીક બસસ્ટેન્ડ થઇ એસ.ટી ડેપો, પેટ્રોલપંપ ચોકડી થઇ પરત એસ.એફ હાઇસ્કૂલ ખાતે દોડનું સમાપન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજો, સહકારી સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા એકતા શપથ લેવામાં આવ્યા હતા.