આજે સરદાર સરોવર નર્મદા ડેમની બપોરે ૩ કલાકે ૧૩૪.૧૪ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ
નર્મદા ડેમમાં ૪,૪૯,૪૭૮ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૪,૪૯,૨૬૭ ક્યુસેક પાણીનો આઉટફલો: ડેમના ૨૩ ગેટ ખુલ્લા
——————–
ભૂગર્ભ જળ વિદ્યુત મથકના ૬ યુનિટ ઉપરાંત કેનાલ હેડ પાવર હાઉસના
૩ યુનિટ દ્વારા સતત થઇ રહેલું વિજ ઉત્પાદન
——————-
તા. ૯ મી ઓગષ્ટથી આજદિન સુધી ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા કુલ ૨૮,૩૫,૧૬૦
મેગાવોટ વિજ ઉત્પાદન કરાયું
——————
નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં આજે બુધવાર ના રોજ બપોરે ૩ કલાકે નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર ૧૩૪.૧૪ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હોવાના અહેવાલ કેવડીયા કોલોની ખાતેના નર્મદા ફલ્ડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, આજે તા. ૨૮ મી ના રોજ બપોરે ૩:00 વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં ૪,૪૯,૪૭૮ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૪,૪૯,૨૬૭ ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો. તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે R.B.P.H-૪૨,૩૩૭ મેગાવોટના રિવર બેડ ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે, જ્યારે C.H.P.H કેનાલ હેડ પાવર હાઉસ ખાતે ૧૪,૪૩૦ મેગાવોટના ૩ યુનિટ મારફત પણ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. તા. ૯ મી ઓગષ્ટથી ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા આજે તા. ૨૮ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ સવારના ૮:00 વાગ્યા સુધી કુલ ૨૮,૩૫,૧૬૦ મેગાવોટ વિજ ઉત્પાદન કરાયું હોવાના અહેવાલ નર્મદા ફલ્ડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ રાજપીપળા