ડાયમંડ ઉદ્યોગ ક્ષેત્રે રશિયા-ગુજરાત ભાગીદારી મહત્વપૂર્ણ અને ઉપયુક્ત બનશે : મુખ્યમંત્રીશ્રી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મુખ્યમંત્રી રશિયા પ્રવાસ બીજો દિવસ
*ઇન્ડિયા-રશિયા કો-ઓપરેશન ઇન ધ રશિયન ફાર ઇસ્ટ સેમિનારમાં
ગુજરાતના વિકાસ વિઝનની પ્રભાવક પ્રસ્તુતી*
*ડાયમંડ ઉદ્યોગ ક્ષેત્રે રશિયા-ગુજરાત ભાગીદારી
મહત્વપૂર્ણ અને ઉપયુક્ત બનશે *મુખ્યમંત્રીશ્રી
:: મુખ્યમંત્રીશ્રી ::
• ગોલ્ડ અને ડાયમંડ માઇનિંગ, મેટલ સાયન્સ, નેચરલ રિસોર્સિસના ઉપયોગ માટે અદ્યતન ટેકનોલોજી અને આધુનિક ઉપકરણોના નિર્માણ ક્ષેત્રમાં રશિયાનો અનુભવ ભારત-ગુજરાતની કંપનીઓ માટે ઉપયોગી નીવડશે
• ગુજરાત ભારતના જીડીપીમાં ૮ % અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૧૭% તેમજ દેશની કુલ નિકાસમાં ૨૦ %થી વધુ યોગદાન આપે છે
• રશિયામાં વિશ્વના ત્રીજા ભાગના રફ ડાયમન્ડ ઉપલબ્ધ છે
• ગુજરાતમાં ૮૦ % ડાયમન્ડ પ્રોસેસીંગ થાય છે – ૯૫ % પ્રોસેસ ડાયમન્ડ આખા વિશ્વમાં ભારતમાંથી નિકાસ થાય છે
• સુરત સૌથી મોટી ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગ ઇન્ડસ્ટ્રી
• રશિયન ફાર ઇસ્ટ રીજિયન-ગુજરાત ડાયમન્ડ સેકટર સહિતના ક્ષેત્રોમાં જોઇન્ટ ઇન્વેસ્ટમેન્ટ-પ્રોડકશન-પ્રોસેસીંગ-સ્કીલ્ડ લેબર ક્ષેત્રમાં સાથે મળીને કાર્યરત થઇ શકે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રશિયા અને ગુજરાત વચ્ચેના વ્યાપારિક સંબંધોને વ્યાપક બનાવવાના નવા અવસરો ગુજરાત અને રશિયન ફાર ઇસ્ટ રીજિયન સાથે મળીને ઊભા કરશે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.
મુખ્યમંત્રીએ ડાયમંડ સેક્ટરમાં રશિયા સાથે ગુજરાતની વેપાર-ઉદ્યોગની વિપૂલ સંભાવનાઓનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું કે, રશિયા વિશ્વના સૌથી મોટા હીરાના ભંડાર પૈકીનું એક છે. વિશ્વના ત્રીજા ભાગના રફ ડાયમંડ રશિયામાં ઉપલબ્ધ છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, સામાપક્ષે ભારત પણ રફ ડાયમંડ પોલિશિંગ અને કટિંગમાં વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે. ગુજરાતમાં ૮૦ ટકા ડાયમંડ પ્રોસેસીંગ થાય છે અને ૯૫ ટકા પ્રોસેસ્ડ ડાયમન્ડ આખા વિશ્વમાં ભારતમાંથી નિકાસ થાય છે.

સુરતમાં વિશ્વની સૌથી મોટી ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગ ઇન્ડસ્ટ્રી છે, ત્યારે ડાયમંડ ક્ષેત્રે રશિયા-ગુજરાતની આ ભાગીદારી મહત્વપૂર્ણ ઉપયુક્ત બની રહેશે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી રશિયા પ્રવાસના બીજા દિવસે ઇન્ડિયા રશિયા કો-ઓપરેશન ઇન ધ રશિયન ફાર ઇસ્ટ સેમિનારમાં ગુજરાતના વેપાર-ઉદ્યોગ પ્રતિનિધિમંડળ સાથે સહભાગી થયા હતા. બશિયાના ડેપ્યુટી પ્રાઇમમીનીસ્ટર અને ફાર ઇસ્ટર્ન ફેડરલ ડિસ્ટ્રીકટના પ્રેસીડેન્સીયલ એન્વોય શ્રી યુરી ટુટનેવ આ સેમિનારમાં ઉપસ્થિત હતા.
શ્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતના ૨૮ જેટલા વેપાર-ઉદ્યોગ અગ્રણીઓ સાથે કેન્દ્રીય વાણિજ્ય ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલના નેતૃત્વમાં રશિયાના પ્રવાસે ગયેલા ભારતીય પ્રતિનિધિ મંડળમાં જોડાયા છે.
તેમણે કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચે બહુ લાંબા સમયથી ગાઢ મિત્રતા રહી છે. પાછલા સાત દસકથી રશિયા સાથે ભારતના સંબંધો ભાવનાત્મક રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની રશિયા યાત્રા અને રશિયાના રાષ્ટ્રપતિ શ્રી પુતિનની ભારત યાત્રાના પરિપાકરૂપે દ્વિપક્ષીય સંબંધોને નવો મોડ મળવાનો છે તેમાં ગુજરાત પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સાથેના સંબંધો સુદ્રઢ કરવાના રશિયા દ્વારા લેવાયેલાં પગલાઓની સરાહના કરતાં જણાવ્યું કે, વાયબ્રન્ટ સમિટની ૨૦૧૯ અને ૨૦૧૭ની બે શ્રૃંખલામાં રશિયાનું ૬૦ થી વધુ સભ્યોનું ડેલિગેશન સહભાગી થયું હતું.
૨૦૧૯ની તાજેતરની વાઈબ્રન્ટ સમિટમાં એનર્જી સેક્ટરની રશિયાની અગ્રણી કંપની રોઝનેફટ દ્વારા ભારતમાં સૌથી મોટા વિદેશી રોકાણની જાહેરાત ગુજરાતની વાડીનાર રિફાઇનરીમાં સીંગલ પ્રોજેક્ટ નાયરા એનર્જી માટે કરી હતી તેનો પણ ઉલ્લેખ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.
તેમણે રશિયન ફાર ઇસ્ટ રીજિયનમાં મશીન ઇન્ડસ્ટ્રીઝ, ઓઇલ એન્ડ ગેસ, મેટલ એન્ડ માઈનિંગ, ડાયમંડ, ટુરિઝમ અને ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક્સ જેવા સેકટર્સ ભારત અને ગુજરાત માટે રસના ક્ષેત્રો છે એમ પણ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રશિયાના આ રીજિયન સાથે ગુજરાતની ડાયમન્ડ સેકટર સહિતના વિવિધ ક્ષેત્રોની સહભાગિતા માટે જોઇન્ટ ઇન્વેસ્ટમેન્ટ, પ્રોડક્શન, પ્રોસેસીંગ અને સ્કિલ્ડ લેબર ક્ષેત્રમાં સાથે મળીને કાર્યરત થવાની પ્રબળ અપેક્ષા પણ દર્શાવી હતી.
શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત અને રશિયન ફાર ઇસ્ટ રીજિયન વચ્ચે વ્યાપારિક સંબંધો પ્રોત્સાહિત કરવા અને ગુજરાત તેમજ વાલ્ડી વોસ્તોકમાં એક પ્રોસેસિંગ ફેસેલીટી સ્થાપિત કરવાની પણ હિમાયત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગોલ્ડ અને ડાયમંડ માઇનિંગ, મેટલ સાયન્સ, નેચરલ રિસોર્સિસના ઉપયોગ માટે અદ્યતન ટેકનોલોજી અને આધુનિક ઉપકરણોના નિર્માણ ક્ષેત્રમાં રશિયાનો અનુભવ ભારત-ગુજરાતની કંપનીઓ માટે ઉપયોગી નીવડશે છે તેમ પણ જણાવ્યું હતું.
શ્રી વિજયભાઈ રૂપાણી રશિયન ડેલિગેશન સમક્ષ ગુજરાતની વ્યૂહાત્મકતા વર્ણવતા કહ્યું કે, ગુજરાત ભારતના જીડીપીમાં ૮ % અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૧૭% તેમજ દેશની કુલ નિકાસમાં ૨૦ %થી વધુ યોગદાન આપે છે.
કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી અને સિરામિક્સ જેવા પારંપરિક ક્ષેત્રમાં અગ્રણી ગુજરાત છેલ્લા એક દાયકાથી ૧૦ %થી વધારે આર્થિક વૃદ્ધિ દર સાથે અગ્રિમ રાજ્ય છે એમ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સૌથી લાંબો સમુદ્ર કિનારો અને ૪૦ થી વધુ પોર્ટસ ધરાવતું ગુજરાત ગેટ વે ઓફ ઇન્ડિયા બન્યું છે તેની ભૂમિકા આપતા એમ પણ કહ્યું કે, દિલ્હી-મુંબઈ ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરથી ગુજરાતની ઔદ્યોગિક આર્થિક પ્રગતિ નવા શિખરે પહોંચવાની છે.
તેમણે ગુજરાતીઓની ઉદ્યમશીલતા અને વેપારકુશળતાને પરિણામે આફ્રિકન દેશો, મધ્ય પૂર્વ, યુરોપ કે અમેરીકા બધે જ ગુજરાતીઓએ સન્માન મેળવ્યું છે તેમ પણ ઉમેર્યું હતું.
આ સેમિનારમાં ઉત્તરપ્રદેશ અને હરિયાણાના મુખ્યમંત્રીશ્રીઓ સહિત ભારતીય પ્રતિનિધિ મંડળના સદસ્યો અને રશિયન ડેલીગેટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પી.આર.ઓ./જિતેન્દ્ર રામી

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )