ડૉક્ટર ન બની શકી તો નર્સ બની… અને નર્સમાંથી સીધી કલેક્ટર બની ગઈ…

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

હા, વાત છે કેરળની એનીસ કનમની જોયની…

એક ખેડૂતની દીકરી કેવા અભાવો વચ્ચે કોઈપણ જાતના કોચિંગ વગર UPSC પાસ થઈ તે આખી સંઘર્ષકથા સામાન્ય વર્ગના દરેક યુવાનોને પ્રેરણા પૂરી પાડે તેમ છે.

કેરળના પીરવોમ જિલ્લાના નાનકડા ગામ પંપાકુડામાં એક સામાન્ય કિસાન પરિવારમાં જન્મેલી એનીસના પિતા સામાન્ય ખેડૂત. માતાએ પણ ખેતીકામની મજૂરી કરી. એનીસનો ધોરણ-10 સુધીનો અભ્યાસ પીરવોમ જિલ્લાના એ નાનકડા ગામમાં જ પૂરો થયો. ત્યારબાદ હાઈસ્કૂલના અભ્યાસ માટે તે અર્નાકુલમ ગઈ.

એનીસ નાનપણથી જ ડૉક્ટર બનવા માગતી’તી. એના માટે તેણે પહેલાથી જ મહેનત શરૂ કરી દીધેલી. પરંતુ મેડિકલ એન્ટ્રસ ટેસ્ટમાં ખરાબ પરિણામ આવવાને કારણે મેડીકલમાં એડમિશન ન મળ્યું. જેથી તેણે ત્રિવેન્દ્રમ મેડીકલ કોલેજમાંથી નર્સીગમાં Bs.Cનો અભ્યાસ પૂર્ણ કર્યો. ડોક્ટર ન બની શકવાને કારણે એનીસ ખૂબ નિરાશ થઇ ગયેલી. પરંતુ વાસ્તવિકતા સ્વીકારી તેણે નર્સીગનો અભ્યાસ મન લગાવીને પૂરો કર્યો.

નર્સીગ પૂરું કર્યા બાદ એકાદ મહિનો તેણે પોતાની આગળની કારકિર્દી માટે વિચાર્યું. તે નર્સીગમાં જ પોતાની કારકિર્દી પુરી કરવા નહોતી માગતી. તે કશુંક નવું અને કૈક મોટું કામ કરવા માગતી’તી.

એક વખત ટ્રેનમાં પોતાના કઝીન સાથે મુસાફરી કરતા કરતા તેણે UPSC વિશે જાણ્યું. તેનો કઝીન IAS ની તૈયારી કરતો હતો. તેણે એનીસને પણ UPSC ની પરિક્ષા માટે તૈયારી કરવા સૂચન કર્યું.

એવી જ રીતે મેંગલોરથી ત્રિવેન્દ્રમ આવતા એક અન્ય ટ્રેનયાત્રા દરમિયાન એનીસને એક મહિલા યાત્રી દ્વારા તેની દીકરી UPSC ની તૈયારી કરી રહી હતી અને તેના માટે દિલ્હીમાં કોચિંગ શરૂ કર્યું હતું તેની વિગતો પ્રાપ્ત થઈ. આ યાત્રામાં તેને ખ્યાલ આવ્યો કે કોઈપણ ફેકલ્ટીનો ગ્રેજ્યુએટ UPSC પરીક્ષા આપી શકે છે. અને તેણે UPSCની પરીક્ષા ક્લિયર કરવાનો નિર્ણય કર્યો.

એનીસની આર્થિક સ્થિતિ તો એવી નહોતી કે તે લાખો રૂપિયાની ફી ભરી કોચિંગ લે. પરંતુ ભરપૂર મહેનત કરવાનું તો તેના હાથમાં જ હતું. તે નિયમિત છાપા વાંચતી અને વર્તમાન સમયની ઘટનાઓથી સતત અવગત અને અપડેટ રહેતી.

2010માં તેણે પૂરતી તૈયારી કરી પરીક્ષા આપી. પહેલાં પ્રયત્નમાં જ તેણે 580 રેંક સાથે UPSC પાસ કરી. પરંતુ તેનો ગોલ તો IAS બનવાનો હતો. 2011માં ખૂબ મહેનત કરી ફરી પરીક્ષા આપી અને 65 રેંક મેળવી પોતાનું IAS બનવાનું સપનું સાકાર કર્યું.

આમ કઠોર પરિશ્રમ અને લગનથી ઉચ્ચ ધ્યેયને વળગી રહી તો એક સામાન્ય ખેડૂતની દીકરી એનીસ અનેક અભાવો વચ્ચે પણ IAS બની શકી.

વાત આટલી જ છે…

જેને કૈક કરી દેખાડવું છે તેને કોઈ બહાના નથી સુજતા અને બહાના બતાવનાર ક્યારેય કશું નક્કર કામ નથી કરી શકતા.

પત્રકાર : ઈરફાન શેખ ( પંચમહાલ )

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )