પેટ્રોલ-ડીઝલના વાહનો પર પ્રતિબંધ નહીં મૂકાય…….
સરકારનો હેતુ કાચા તેલની આયાત પર કાપ મૂકવાનો અને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે, એમ કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આજે કહ્યું છે.
નીતિ આયોગે સૂચવ્યું છે કે 2030ની સાલ પછી ભારતમાં માત્ર ઈલેક્ટ્રિક વાહનો જ વેચવાની પરવાનગી હોવી જોઈએ. નીતિ આયોગના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અમિતાભ કાંતે અગાઉ એમ કહ્યું હતું કે 2025ની સાલથી ભારતમાં માત્ર 150 સીસીની એન્જિન ક્ષમતાવાળા ત્રણ-પૈડાં અને બે પૈડાંવાળા ઈલેક્ટ્રિક વાહનો જ વેચવા દેવા જોઈએ.
આ વિશે આજે કેન્દ્રીય પ્રધાનને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે ભારતમાં પેટ્રોલ અને ડિઝલથી
ચાલતા વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાશે નહીં, કારણ કે એમ કરવું ભારતને પરવડે જ નહીં.
ભારતે 2018-19ના વર્ષમાં 211.6 મિલિયન ટન પેટ્રોલિયમ ઉત્પાદનો વાપર્યા હતા. આમાં ડિઝલનો વપરાશ 83.5 મિલિયન ટન હતો અને પેટ્રોલનો 28.3 મિલિયન ટન. ભારતમાં ઈંધણના વપરાશમાં કોમ્બિનેશન જાળવી રાખવું મહત્ત્વનું રહેશે.
આપણને સીએનજી, પીએનજી (પાઈપ્ડ નેચરલ ગેસ), બાયોફ્યુઅલ્સ અને બાયોગેસ જરૂર પડશે.