સુરત ટ્યુશન ક્લાસની આગ: અનેકની પોલ અને મિલી-ભગત ખુલ્લી પડી ગઈ

ડૉ. જયેશ શાહ દ્વારા

નવી સરકારે સોગંદ નથી લીધા તે પહેલાં ગઈકાલે સાંજે સુરતમાં એક કમનસીબ ઘટના બની. આ ઘટના કુદરતી ન હોતી. સુરતની આગની હોનારતે રાજકીય નેતાઓની દીર્ઘદ્રષ્ટિની પોલ ખોલી નાખી છે તો મહાનગરપાલિકાના અધિકારીઓ અને અગ્નિશમન દળના અધિકારીઓની નફ્ફટાઈ તથા બેફિકરાઈ નજર સામે આવી છે. સાથે સાથે બિલ્ડર, રાજકીય નેતાઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓની “મિલી-ભગત” પણ પ્રજા સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. સુરતના મતદારોએ ખોબે ખોબે મત આપ્યા છે. સુરત અને નવસારીની લોકસભાની બેઠકો ઉપર કુલ મતદાનના લગભગ ૭૫% મત આપીને ભાજપની ઝોળી ભરી દીધી છે. આવા સંજોગોમાં ભાજપની વિશેષ જવાબદારી બને છે.

.
(૦૧) શું ભાજપ નેતાગીરીમાં સુરતના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનનું રાજીનામુ લેવાની હિંમત છે? આજે નૈતિક જવાબદારી સમજીને સુરતના મેયરે રાજીનામું આપી દેવું જોઈએ.
.
(૦૨) શું રાજ્ય સરકાર સુરતના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર, ચીફ એન્જીનિયર તથા જે જે અધિકારીઓ “રજા-ચિઠ્ઠી” આપવામાં સંકળાયેલા હોય તે તમામને પદભ્રષ્ટ કરવાની મર્દાનગી બતાવશે?
.
(૦૩) શું રાજ્ય સરકાર સુરત મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડના મુખ્ય અધિકારીને પદભ્રષ્ટ કરવાની હિંમત દાખવશે?
.
(૦૪) શું રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખના સત્તાધારીઓ અને વહીવટી પાંખના અધિકારીઓ “અમારી ભૂલને કારણે આ થયું છે” એવું જાહેરમાં સ્વીકારવાની હિંમત બતાવશે?
.
(૦૫) શું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા (i) ફાયરબ્રિગેડ પાછળ કેટલું બજેટ ફાળવાય છે (ii) તેમાંથી કેટલું વપરાય છે (iii) ફાયરબ્રિગેડ પાસે કેટલા સાધનો છે અને હજુ વધુ કેટલા આધુનિક સાધનોની જરૂરિયાત છે (iv) ફાયરબ્રિગેડ વિભાગમાં કેટલા કર્મચારીઓની અછત છે (v) ફાયરબ્રિગેડમાં આગ સામે ઝઝૂમીને આગને કાબુમાં લઇ શકે તેવી આધુનિક તાલીમ લીધી હોય તેવા કેટલા કર્મચારીઓ છે…..આ બધાનું વિશ્લેષણ કરીને સમગ્ર ગુજરાતના શહેરોમાં ચાલતા પોલંપોલને ખુલ્લું કરી શકશે?
.
(૦૬) ગેરકાયદે બાંધકામ થયું હોય તેની ઉપર સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓના સહયોગથી ગુજરાત સરકાર ક્યારે ત્રાટકશે? બિલ્ડર અને અધિકારીઓ તથા રાજકારણીઓની “મિલી-ભગત” અને “સમજૌતા એક્સપ્રેસ”ને તોડવા માટે ગુજરાત સરકાર ક્યારથી કાર્યવાહી શરુ કરશે?
.
સરકાર, રાજકારણી અને અધિકારીઓની સાથે સાથે આપણે સૌ પણ એટલાં જ જવાબદાર છીએ તેનો પણ સ્વીકાર કરીએ.
.
(૦૧) શું આપણે જે એપાર્ટમેન્ટમાં રહીએ છીએ ત્યાં ફાયર અને સેફટીની આધુનિક સગવડો ઉભી કરેલી છે? બિલ્ડરે તમને તમારી સુરક્ષા અને સલામતી માટે કઈ કઈ સગવડો આપી છે તે અંગે ક્યારેય વિચાર્યું છે ખરું?
.
(૦૨) શું આપણે આપણા બાળકને આપણે જે શાળામાં કે ટ્યૂશન ક્લાસમાં મૂકીએ છીએ ત્યાં આપણા બાળકની કુદરતી અને કૃત્રિમ આફતો સમયે તેની સુરક્ષા અને સલામતી માટે શું વ્યવસ્થા છે તે અંગે આપણે ક્યારેય ચકાસણી કરીએ છીએ ખરા? (આપણે તો કેટલા રૂપિયામાં એડમિશન મળે તે અંગે તોડ-પાણી જ કરતા હોઈએ છીએ)
.
(૦૩) શું આપણે જે હોટેલ કે રેસ્ટોરન્ટમાં જઈએ કે જે થિયેટર કે ટાઉન હોલમાં જઈએ કે જે મોલ કે સુપર માર્કેટમાં જઈએ કે બહુમાળી મકાનોમાં આવેલી ઓફિસમાં જઈએ તો ત્યાં ફાયર અને સેફટી અંગે સગવડો છે કે નહીં તેની ચકાસણી કરીએ છીએ?
.
જો જવાબ ના હોય….તો હવે તેવી ચકાસણી કરવાનો સમય આવી ગયો છે. જેને આવી સગવડો ઉભી ન કરી હોય તે તમામ તેવી સગવડો ઉભી કરે તેવો માહોલ આપણે સૌ ભેગા થઈને ઉભો કરીએ. બિલ્ડર અને સરકારી અધિકારીઓને આવી અતિ-આધુનિક સગવડો ઉભી કરવા માટે મજબુર કરીએ. જે આવી સગવડો ન આપે તેમનો સામાજિક અને આર્થિક બહિષ્કાર કરીને આપણે સૌ આપણો નાગરિક ધર્મ અદા કરીએ.
.
ગેરકાયદે કામ કરી રહેલા સૌને કાયદાના પરિઘમાં લાવીએ અને એક સફળ નાગરિકનો ધર્મ અદા કરીએ. જો આપણે ગેરકાયદે કાર્ય કરતા બિલ્ડરો કે શાળાના સંચાલકો કે ટ્યૂશન ક્લાસના સંચાલકો કે બિલ્ડરો કે જવાબદાર સરકારી અધિકારીઓ સામે આંખ આડા કાન કરીશું તો એક દિવસ આ આગનો રેલો આપણા સૌની નીચે આવી શકે છે.
.
સાવધાન…..આપણે સૌએ નાગરિક તરીકે નાગરિક ધર્મ બજાવવાનો સમય હવે આવી ગયો છે. ચાલો…આજથી જ આપણે જાગૃત થઈને ગેરકાયદે કાર્ય કરતા સૌને પદાર્થપાઠ શીખવીએ. આપણે સરકારને એક અવાજે અને એક સુરે કહીએ કે અમારે “ચાર લાખ”ની “લોલીપોપ” નથી જોઈતી. અમે તમને જંગી મત આપીને એટલા માટે નથી ચૂંટયા. તમે અમને પારદર્શક વહીવટ આપો. દરેક કસૂરવારને એવો દંડ આપો અને એવી કાર્યવાહી કરો કે ભવિષ્યમાં કોઈપણ ગેરકાયદેસર કાર્ય કરતા સો વખત વિચાર કરે……ચાલો…આજથી જ નાગરિક ધર્મ બજાવવાનું શરુ કરીએ.

CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
NEWER POSTસુરતમાં ACની કંપની દાઝેલા લોકોને મદદ રૂપ થવા તેમના ઘરે ફ્રીમાં AC ફીટ કરી આપશે
OLDER POST‘મોદી PM બને તો હું પાકિસ્તાન ચાલ્યો જાઉ’, આમ કહેનાર શાહરૂખે મોદીની બીજી જીત પર કહ્યું કંઈક આવું

COMMENTS

Wordpress (0)
Disqus (0 )